ટ્રેનમાંથી તફડાવેલાં ઘરેણાં વેચાતાં હતાં ઝવેરી બજારમાં

06 March, 2025 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાંબા અંતરની ટ્રેનના પ્રવાસીઓનાં ઘરેણાં ચોરનારો અને બે જ્વેલરો પકડાયા, થાણે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં જાન્યુઆરીમાં ચોરીનો એક કેસ નોંધાયો હતો જેમાં ફરિયાદી મહિલા ઇન્દોર-દૌંડ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી ત્યારે તેની દાગીના ભરેલી બૅગ ચોરાઈ ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

થાણે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં જાન્યુઆરીમાં ચોરીનો એક કેસ નોંધાયો હતો જેમાં ફરિયાદી મહિલા ઇન્દોર-દૌંડ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી ત્યારે તેની દાગીના ભરેલી બૅગ ચોરાઈ ગઈ હતી. થાણે GRP પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિજય ખેડકરે કહ્યું હતું કે ‘અમે ચોરીની અન્ય ફરિયાદોનો પણ અભ્યાસ કર્યો હતો અને અલગ-અલગ કડીઓ મેળવીને ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસ્યાં અને રાતની લાંબા અંતરની ટ્રેનો પર નજર રાખવામાં આવી હતી. આખરે ૧૮ ફેબ્રુઆરીએ દાગીના તફડાવનાર મહેશ ઘાગને અમે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતાં તેણે જાન્યુઆરીમાં કરેલી ચોરીનો ગુનો કબૂલી લીધો હતો અને એ દાગીના ઝવેરી બજારના બે જ્વેલર તાનાજી માને અને નીતિન યેલેને વેચ્યા હોવાનું કબૂલ્યું હતું. એ પછી એથી બન્ને જ્વેલરની પણ ધરપકડ કરવામાં આવી છે. એ બન્ને જ્વેલરે દાગીના પીગળાવી એની લગડી બનાવી લીધી હતી એટલે બન્ને પાસેથી કુલ ૮.૬૪ લાખની સોનાની લગડી જપ્ત કરવામાં આવી છે. મહેશ ઘાગ એ સિવાય કલ્યાણ અને વસઈના GRPમાં નોંધાયેલા ચોરીના કેસમાં પણ આરોપી હોવાનું તપાસમાં જણાયું હતું.

thane crime thane Crime News mumbai crime news mumbai news mumbai