થાણે સ્ટેશન પર મહિલા ચેઇન-સ્નૅચરને પોલીસે દોડ લગાવીને પકડી પાડી

05 October, 2025 10:49 AM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

સિવિલ ડ્રેસમાં હાજર મહિલા પોલીસે પીછો કરીને ચોરટીને ઝડપી પાડી તો એક-બે નહીં, પાંચ ચેઇન ચોરી હોવાની કરી કબૂલાત

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ રેલવેના થાણે સ્ટેશન પર ગિરદીનો લાભ લઈને મહિલાઓની ચેઇન ઝૂંટવી લેતી ૩૩ વર્ષની મહિલા ચેઇન-સ્નૅચર પકડાઈ હતી. થાણે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ૨૩ સપ્ટેમ્બરે આ મહિલા ચોરટી પાછળ દોડ લગાવીને તેને પકડી પાડી હતી. પૂછપરછમાં બીજા પાંચ ચેઇનસ્નૅચિંગના કેસ તેની સામે હોવાનું જણાયું હતું.

થાણે GRPના જણાવ્યા અનુસાર તેમને મહિલાઓની ચેઇન-સ્નૅચિંગની ફરિયાદો અવારનવાર મળી રહી હતી. એથી ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન કૅમેરાનાં ફુટેજ ચેક કરવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં, સિવિલ ડ્રેસમાં પોલીસ પ્લૅટફૉર્મ પર મહિલાઓના ડબ્બા પાસે ગોઠવાઈ હતી. ૨૩ સપ્ટેમ્બરે તે મહિલા ચોર એક મહિલાના ગળામાં સોનાની ચેઇન ઝૂંટવીને ભાગી હતી. સ્ટેશન પર સિવિલ ડ્રેસમાં નજર રાખતી પોલીસને એ બાબતની જાણ થતાં તેઓ મહિલા ચેઇન-સ્નૅચર પાછ‍ળ દોડ્યા હતા અને તેનો પીછો કરીને આખરે તેને ઝડપી લીધી હતી. તેની પૂછપરછ દરમ્યાન તેણે પોતાનું નામ કવિતા લોખંડે હોવાનું અને ઉલ્હાસનગરમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી હતી. તેણે આ પહેલાં પણ પાંચ વાર ચેઇન-સ્નૅચિંગ કર્યું હોવાનું કબૂલ્યું હતું. આમ પોલીસે કુલ ૬ કેસ સૉલ્વ કરી લીધા હતા.

thane central railway government railway police thane crime Crime News mumbai crime news mumbai mumbai news