29 September, 2024 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ ડોમ્બિવલીમાં એક કારમાંથી ૬ કરોડ રૂપિયાનું પાંચ કિલો અંબરગ્રીસ જપ્ત કર્યું હતું અને એ સંદર્ભે ૩ જણની ધરપકડ કરવામાં આવી હતી. કારના ત્રણે પ્રવાસી નવી મુંબઈના રહેવાસી છે. અંબરગ્રીસ એ વ્હેલ માછલીની ઊલટી હોય છે જે મીણ જેવી ચીકણી હોય છે. પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. વળી વિદેશમાં એ મર્દાનગીની દવા તરીકે ખ્યાતનામ હોવાથી એની બહુ ડિમાન્ડ રહે છે. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) શિવાજી પાટીલે કહ્યું હતું કે ‘ડોમ્બિવલીના માનપાડા વિસ્તારમાં એ કારને રોકી તલાશી લેતાં એમાંથી પાંચ કિલો જેટલું અંબરગ્રીસ મળી આવ્યું હતું, જે બ્લૅક માર્કેટમાં ૬.૨ કરોડ રૂપિયાના ભાવે વેચાય છે. ત્રણે આરોપીઓ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.’