29 May, 2023 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં જોખમી ઇમારતોમાં રહેતા લોકોને મકાન ખાલી કરવાનો નિર્દેશ થાણે મહાનગરપાલિકાના કમિશનર અભિજિત બાંગરે અધિકારીઓને આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. થાણે મહાનગરપાલિકાની હદમાં કુલ ૧૯૨ જોખમી અને ગમે ત્યારે તૂટી પડે એવી ઇમારતો આવેલી છે. આમાંથી ૩૭ ઇમારતોને ખાલી કરી દેવાઈ છે, જ્યારે બાકીનાં ૪૯ બિલ્ડિંગોમાં રહેતા લોકોને મકાન ખાલી કરાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવશે.
જોખમી ઇમારતોમાં રહેતા લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે એને ધ્યાનમાં રાખીને એ ખાલી કરાવવા માટેનો નિર્દેશ થાણે સુધરાઈના કમિશનરે અધિકારીઓને આપ્યો હતો. એટલું જ નહીં, આવી ઇમારતોનાં પાણી અને વીજળીનાં કનેક્શન પણ કાપી નાખવાનું તેમને કહેવામાં આવ્યું છે.
જોખમી કાયદેસર ઇમારતોમાં રહેતા લોકો માટે સુધરાઈ દ્વારા રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, જ્યારે ગેરકાયદે જોખમી ઇમારતોમાં રહેનારાઓને તાત્પુરતા સ્કૂલોમાં ખસેડવામાં આવશે.