28 September, 2022 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવસેના કોની?
મુંબઈ ઃ ૨૧ મેએ એકનાથ શિંદે સહિત શિવસેનાના ૪૦ વિધાનસભ્યો અને ૧૦ અપક્ષ વિધાનસભ્યોએ મહાવિકાસ આઘાડી સરકાર સાથેનો છેડો ફાડી નાખ્યા બાદ સત્તાસંઘર્ષ માટેની ચાલી રહેલી લડાઈની ગઈ કાલે સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેચ સમક્ષ પહેલી વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથે શિવસેના પક્ષ અને ચૂંટણીચિહન ધનુષબાણ કાયમ રાખવા અને મેળવવા બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે જૂથની ચૂંટણી પંચને બદલે સુપ્રીમ કોર્ટ જ ફેંસલો સંભળાવે એવી અરજી ફગાવી દીધી હતી અને આ મામલો મુખ્ય ચૂંટણી પંચનો હોવાથી એનો નિર્ણય આ સ્વતંત્ર બૉડીએ જ લેવો જોઈએ એમ કહ્યું હતું. આથી પહેલી સુનાવણીમાં ઉદ્ધવ ઠાકરે જૂથને આંચકો લાગ્યો છે. એકનાથ શિંદે જૂથે આવી જ માગણી કરતી અરજી કરી હોવાથી કોર્ટે એને માન્ય રાખી હતી. આથી શિવસેના કોની? એનો નિર્ણય હવે સુપ્રીમ કોર્ટ નહીં, પણ મુખ્ય ચૂંટણી પંચ લેશે. આ સિવાય વિધાનસભામાં કોણ પાત્ર અને અપાત્ર છે એની સુનાવણી બંધારણીય ખંડપીઠમાં કાયમ રહેશે.
શિવસેના પક્ષ કોનો અને પક્ષનું ચૂંટણીચિહન ધનુષબાણ કોને મળવું જોઈએ એનો નિર્ણય મુખ્ય ચૂંટણી પંચને બદલે સુપ્રીમ કોર્ટ લે એવી અરજી ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ તથા આ સંબંધિત બંને જૂથે કરેલી અરજીઓ માટે સુપ્રીમ કોર્ટે પાંચ જજની બંધારણીય ખંડપીઠની સ્થાપના ૭ સપ્ટેમ્બરે ગઠિત કરી હતી. ગઈ કાલે જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડની અધ્યક્ષતાની જસ્ટિસ એમ. આર. શાહ, જસ્ટિસ ક્રિષ્ના મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પી. એસ. નરસિંહાના સમાવેશવાળી બંધારણીય ખંડપીઠમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
બંધારણીય ખંડપીઠે બંને પક્ષના વકીલોની આખો દિવસ દલીલ સાંભળ્યા બાદ ગઈ કાલે સાંજે પાંચેક વાગ્યે કહ્યું હતું કે ‘શિવસેના પક્ષ અને પક્ષના ચૂંટણીચિહન ધનુષબાણ કયા જૂથને આપવામાં આવે એનો નિર્ણય મુખ્ય ચૂંટણી પંચ લઈ શકે છે આથી એના પર કોર્ટ કોઈ સ્ટે નથી મૂકતી.’
ખંડપીઠે પહેલા દિવસની સુનાવણીમાં એમ પણ કહ્યું હતું કે શિવસેનાનાં બંને જૂથ દ્વારા વિધાનસભામાં પાત્ર અને અપાત્રની અરજીઓ કરવામાં આવી છે એ મામલાની સુનાવણી કાયમ રહેશે.
કોર્ટના નિર્ણયનું સ્વાગત છે ઃ એકનાથ શિંદે
સુપ્રીમ કોર્ટે શિવસેના હવે કોની છે એ સંબંધનો નિર્ણય મુખ્ય ચૂંટણી પંચ પર છોડ્યો છે. આ વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘અમે આવી માગણી પહેલેથી કરી રહ્યા છીએ. આ સંબંધે કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. કોર્ટે અમારી માગણી સ્વીકારી હોવાનો આનંદ છે. ચૂંટણી પંચ લોકશાહીની પરંપરા મુજબ નિર્ણય લેશે એવી આશા છે.’
ચૂંટણી પંચને બધા પુરાવા આપીશું ઃ અનિલ પરબ
શિવસેના ઉદ્ધવ ઠાકરેની કે એકનાથ શિંદેની એનો નિર્ણય હવે મુખ્ય ચૂંટણી પંચ લેશે. શિવસેનાના વિધાનસભ્ય અનિલ પરબે સુપ્રીમ કોર્ટના નિર્દેશ વિશે કહ્યું હતું કે ‘અમે મુખ્ય ચૂંટણી પંચને પક્ષને લગતા તમામ પુરાવા સોંપીશું. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.’