15 January, 2023 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં શિયાળાની આ સીઝનમાં તાપમાનમાં સારોએવો ઘટાડો થવાથી ઠંડી અનુભવાઈ રહી છે. ગઈ કાલે બાંદરામાં રાતના સમયે ઠંડીથી બચવા માટે સિક્યૉરિટી ગાર્ડ તાપણું કરીને હાથ શેકતા જોવા મળ્યા હતા. તસવીર સૌજન્ય: પ્રદીપ ધિવાર
મુંબઈ : મુંબઈમાં હાલ ફૂલગુલાબી ઠંડી પડી રહી છે અને એમાં પણ હજી પારો થોડો વધુ નીચે જાય એવી શક્યતા વેધશાળા દ્વારા દર્શાવવામાં આવી છે. આજે મિનિમમ ટેમ્પરેચર ૧૩ ડિગ્રીની આસપાસ રહે એવી આગાહી વેધશાળા દ્વારા કરવામાં આવી છે.
મોસમ વિભાગનાં ડિરેક્ટર ડૉ. સુષમા નાયરે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ ઉત્તર ભારતમાં બરફ પડ્યો છે અને ત્યાંથી ઠંડા પવનો આવી રહ્યા છે. એ સૂકા ઠંડા પવનોને કારણે મુંબઈ સહિત આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં હાલ પારો ઘટી રહ્યો છે, જે એકાદ-બે ડિગ્રી હજી પણ ઘટી શકે.’
મુંબઈમાં ગઈ કાલે કોલાબામાં ૨૦.૪ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૧૫.૨ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું. ગઈ કાલે બપોરે પણ ઠંડા પવનો આવી રહ્યા હતા અને કુમળો તડકો હોવા છતાં વાતાવરણમાં ભારે ઠંડક અનુભવવા મળી હતી. જોકે હવે ઉત્તરાયન થયું હોવાથી આવનારા સમયમાં ધીમે-ધીમે ઠંડીના પ્રભાવ ઘટતો જશે અને ગરમી વધતી જશે.