17 November, 2024 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આકર્ષક ટૂર-પૅકેજની ઑફર આપીને ગ્રાહકો પાસેથી પૈસા લઈ છેતરપિંડી કરવાના આરોપમાં થાણે જેલમાં રહેલા ૩૨ વર્ષના ટૂર-ઑપરેટર તેજસ શાહનો હવે દહિસર પોલીસે તેમને ત્યાં દાખલ કેસની તપાસ માટે તાબો લીધો હતો. લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આરોપસર તેજસ વિરુદ્ધ મુંબઈ ઉપરાંત બીજાં પોલીસ-સ્ટેશનોમાં કુલ નવ કેસ નોંધાયા છે. દહિસરના કેસમાં ન્યુ ઝીલૅન્ડ પ્રવાસના બહાને ૬૧ વર્ષના મહેન્દ્ર પંચાલ પાસેથી ૫.૫ લાખ રૂપિયા લઈ છેતરપિંડી કરવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે, જેની ફરિયાદ દહિસર પોલીસે સપ્ટેમ્બરમાં નોંધી હતી.
અમે પૂર્વા હૉલિડેઝના સંચાલક તેજસ શાહનાં ચારેચાર બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ કરી દીધાં છે, પણ બધાં અકાઉન્ટમાં ૨૦૦ રૂપિયા કરતાં વધારે બૅલૅન્સ નથી એમ જણાવતાં દહિસરના પોલીસ-ઇન્સ્પેક્ટર સંતોષ ખાડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેજસે ૨૦૨૨-’૨૩માં ગ્રાહકોને વિદેશપ્રવાસો માટે આકર્ષક પૅકેજ આપીને પૈસા ભેગા કર્યા હતા. પ્રવાસ સમય નજીક આવતાં વિવિધ બહાનાં બતાવી તે ટ્રિપ કૅન્સલ કરતો અને પૈસા પણ પાછા નહોતો આપતો. તેજસ સામે કાંદિવલી, સમતાનગર, મલબાર હિલ, નાશિક અને મુલુંડ સહિત ૯ પોલીસ-સ્ટેશનોમાં આવી જ ફરિયાદ નોંધાઈ છે. અમે સપ્ટેમ્બરમાં નોંધેલી ફરિયાદની તપાસ માટે તેનો તાબો લીધો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેની પાસે હવે પૈસા જ નથી. તેણે પૈસા ક્યાં રાખ્યા એ બાબતની તપાસ કરવા માટે અમે તેનાં બૅન્ક-અકાઉન્ટનાં સ્ટેટમેન્ટ કાઢીને તપાસી રહ્યા છીએ.’
ઓછા ભાવે ટૂર આપી આગળ વધુ બિઝનેસ મેળવવા જતાં પોતે અટવાઈ ગયો હોવાનું તેજસે અમને જણાવ્યું છે એમ કહેતાં સંતોષ ખાડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૨માં તેણે વિદેશી ટૂર્સનું આયોજન કર્યું હતું જેમાં તેણે વધુ ગ્રાહકો મેળવવા માટે ઓછા ભાવે લોકોને ટૂર ઑફર કરી હતી જેમાં તેણે અમુક ગ્રાહકો પાસેથી લીધેલા પૈસા બીજી ટૂર માટે વાપર્યા હતા, જેને કારણે પછીની બીજી ટૂર બુક નહોતો કરાવી શક્યો એવું તેણે અમને કહ્યું છે. જોકે એમ છતાં તેણે એ રૂપિયા બીજી કોઈ જગ્યાએ ફેરવ્યા છે કે નહીં એની તપાસ અમે કરી રહ્યા છીએ.’