17 December, 2024 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડોમ્બિવલીમાં રહેતી ૧૫ વર્ષની ટીનેજરને તેની મમ્મીએ મોબાઇલ પર વધુ સમય બગાડવાને બદલે ભણવા પર ધ્યાન આપવાનું કહીને ગુસ્સો કર્યો હોવાથી તે ઘર છોડીને જતી રહી હતી. જોકે નવ દિવસ બાદ શનિવારે આ ટીનેજરનો થાણેની ખાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
ડોમ્બિવલીના વિષ્ણુનગર પોલીસે આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘ટીનેજર મોબાઇલ પર બહુ સમય વેડફતી હોવાથી પાંચ ડિસેમ્બરે તેની મમ્મીએ તેના પર ગુસ્સો કર્યો હતો અને કહ્યું હતું કે મોબાઇલમાં ટાઇમપાસ કરવાને બદલે ભણવા પર ધ્યાન આપ. એથી ટીનેજર ગુસ્સે ભરાઈ હતી અને ઘર છોડીને નીકળી ગઈ હતી. ઘણા સમય સુધી તે ઘરે પાછી ન ફરતાં પરિવારજનોએ તેની બહુ શોધ ચલાવી હતી. ત્યાર બાદ તેમણે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. અમે કિડનૅપિંગનો ગુનો નોંધી તપાસ ચાલુ કરી હતી. અમને એવી માહિતી મળી હતી કે એ જ દિવસે ડોમ્બિવલીના મોટાગાવ બ્રિજ પરથી કોઈએ ખાડીમાં ઝંપલાવ્યું હતું. અમે તપાસ કરી હતી, પણ અમને કશું મળી આવ્યું નહોતું. આખરે આ ઘટનાના નવ દિવસ બાદ થાણે ખાડીમાંથી શનિવારે બપોરે ટીનેજરનો મૃતદેહ મળી આવ્યો હતો.’