18 June, 2024 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૫૦ ફીટની ઊંચાઈએથી પડ્યા બાદ ઘાયલ થયેલી રિયા સાબળેને ઊંચકીને હૉસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.
અંધેરીમાં રહેતી ૧૬ વર્ષની રિયા સાબળે તેના ફ્રેન્ડ્સ સાથે રવિવારની રજામાં માથેરાન ફરવા ગઈ હતી. રિયા સાબળે તેના ફ્રેન્ડ્સ સાથે માથેરાન તરફના ટ્રેકના રસ્તે રવિવારે બપોરના ચારેક વાગ્યે ઉપર ચડી રહી હતી ત્યારે તેનો પગ લપસતાં ૫૦ ફીટ પરથી ખીણમાં પડી ગઈ હતી. તેની સાથેના ફ્રેન્ડ્સ તરત જ નીચે ઊતર્યા હતા અને તેમણે સહ્યાદ્રિ રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો હતો. નેરળ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર શિવાજી ઢવળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈનું ગ્રુપ ટ્રેકના રસ્તે માથેરાન તરફ ચડી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. ઉપરથી પડેલી રિયા સાબળેને કમર, પીઠ અને હાથ-પગમાં ઈજા થવાથી તે ચાલી શકે એવી સ્થિતિમાં નહોતી એટલે તેને રેક્ઝિનના ફોલ્ડેબલ સ્ટ્રેચરમાં ઊંચકીને નીચે ઉતારીને રાયગડની સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. સદ્નસીબે તેને ગંભીર ઈજા નહોતી થઈ એટલે આ ઘટનામાં તે બચી ગઈ છે. ચોમાસાના સમયમાં મોટા પ્રમાણમાં લોકો વીક-એન્ડમાં ટ્રેકિંગ કરવા આવે છે. વરસાદને લીધે જમીન ભીની હોવાની સાથે પથ્થર નીચેની માટી પણ પોચી થઈ જાય છે એટલે સંભાળીને ચાલવું જોઈએ.’