21 March, 2023 09:46 AM IST | Mumbai | Rohit Parikh
વરલી સી-ફેસ પર રાજલક્ષ્મીના રોડ-અકસ્માત બાદ દાદરની હૉલિડે કોર્ટની બહાર ગુનેગારને આકરી સજા મળે એવી માગણી સાથે એકઠા થયેલા રનર્સ અને જૉગર્સ.
હિટ ઍન્ડ રન કેસના આરોપીઓને સખતમાં સખત સજા થશે તો જ રૅશ ડ્રાઇવિંગ અને ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ કરતા યુવાનો તેમ જ ડ્રાઇવરો પર નિયંત્રણ આવશે. આવા ડ્રાઇવરોને જામીન અને ત્યાર પછી લાંબો સમય કેસ ચાલ્યા પછી હળવી સજા મળતી હોવાથી તેમને કાયદાનો ભય રહ્યો નથી. તેમના પર ડર બેસાડવાની જરૂર છે.
આવી માગણી રવિવારે મૅરથૉનની પ્રૅક્ટિસ કરી રહેલી ટેક્નૉલૉજી કંપનીની ૪૨ વર્ષની સીઈઓ રાજલક્ષ્મી રામ ક્રિષ્ણનના મૃત્યુ બાદ ગઈ કાલે સવારે શિવાજી પાર્ક અને વરલી સહિત મુંબઈભરના સેંકડો રનર્સ અને જૉગર્સ તરફથી મુંબઈ પોલીસ સમક્ષ કરવામાં આવી હતી. રાજલક્ષ્મીનું મૃત્યુ એક યુવાન કાર-ડ્રાઇવરની બેદરકારીને લીધે વરલી મિલ્ક ડેરી પાસે રવિવારે વહેલી સવારે થયું હતું.
રાજલક્ષ્મી રામક્રિષ્ણન
બનાવ શું બન્યો હતો?
રવિવારે વહેલી સવારે મહાલક્ષ્મી રેસકોર્સમાં બીજા મૅરથૉન રનરો સાથે વહેલી સવારે માટુંગામાં રહેતી રાજલક્ષ્મી રામક્રિષ્ણન પ્રૅક્ટિસ કરવા ગઈ હતી. ૨૩ એપ્રિલે લંડન મૅરથૉનમાં ભાગ લેવાની હોવાથી રાજલક્ષ્મી રેસકોર્સથી રનિંગ કરતી-કરતી માટુંગા તેના ઘર તરફ નીકળી હતી. તે વરલી સી-ફેસ પર આવેલી વરલી મિલ્ક ડેરી પાસે રનિંગ કરીને જઈ રહી હતી ત્યારે પાછળથી ફુલ સ્પીડમાં આવતી કારના ડ્રાઇવર તાડદેવના ૨૩ વર્ષના સુમેર મર્ચન્ટે તેની ઇલેક્ટ્રિક તાતા નેક્શન કાર પરનો કન્ટ્રોલ ગુમાવતાં એ રાજલક્ષ્મી સાથે અથડાઈ હતી. રાજલક્ષ્મી ૨૦ ફુટ ઊંચે ઊછળીને જમીન પર પડી હતી અને માથામાં સખત ઈજા થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. પોલીસની મેડિકલ તપાસમાં જણાયું હતું કે સુમેરે અકસ્માતના સમયે ડ્રિન્ક કરેલું હતું. પોલીસે તેની સામે વિવિધ ધારાઓ લગાડીને ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તેને દાદરની હૉલિડે કોર્ટમાં હાજર કર્યો હતો, જ્યાં કોર્ટે સુમેર મર્ચન્ટને બે દિવસના રિમાન્ડ આપ્યા હતા.
રનર્સ અને જૉગર્સની માગણી
સુમેર મર્ચન્ટની વરલી પોલીસ સ્ટેશને ધરપકડ કર્યા બાદ રનર્સ અને જૉગર્સની પોલીસ સમક્ષ એક જ માગણી હતી કે મુંબઈમાં મોટા ભાગના હિટ ઍન્ડ રન કે ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવના બનાવો શનિવાર અને રવિવારે જ બનતા જ હોય છે એટલે આના પર કાયદાની લગામ તાણીને કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે જેથી આવા કેસો પર નિયંત્રણ આવી શકે. ગઈ કાલે પોલીસ સ્ટેશન અને હૉલિડે કોર્ટ પર જમા થયેલા મુંબઈભરના રનર્સ અને જૉગર્સની માગણી હતી કે આવા રૅશ ડ્રાઇવિંગ કરતા લોકો માટે કાયદો કડક બનાવીને તેમને કાયદાના સકંજામાં લેવાની જરૂર છે. એનાથી લોકોમાં ડર પેદા થશે, આવા અકસ્માતો પર નિયંત્રણ આવશે તથા નિર્દોષ લોકોના જીવ બચશે.’