16 June, 2023 07:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મુંબઈના કાંદિવલી (Kandivali)માં કપોળ વિદ્યાનિધિ ઈન્ટરનેશનલ સ્કૂલના એક શિક્ષકને શુક્રવારે સવારે એસેમ્બલી દરમિયાન અઝાન વગાડવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો ઊગ્ર વિરોધ થયો હતો. કેટલાક વાલીઓએ આ વિશે વાંધો પણ ઉઠાવ્યો હતો. શુક્રવારે સવારે મહાવીરનગર (Teacher Plays Azaan During Assembly In Mahavir Nagar’s school)માં આવેલી શાળાની એસેમ્બલીનો એક કથિત વીડિયો વાયરલ થયો હતો, જેમાં લાઉડસ્પીકર પર અઝાન વગાડવામાં આવી રહી હતી. વિરોધ કરી રહેલા એક માતાપિતાએ કહ્યું કે, “અમારામાંથી મોટાભાગના લોકો અહીં મોર્નિંગ વોક માટે આવે છે. સવારની નમાઝ દરમિયાન અઝાન સાંભળવી ખૂબ જ અસામાન્ય ઘટના હતી.” વીડિયો વાયરલ થયા પછી તરત જ, માતાપિતા શાળામાં ભેગા થવા લાગ્યા હતા.
શાળાના પ્રિન્સિપાલ ડૉ. રેશ્મા હેગડેના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓને વિવિધ ધર્મોની પ્રાર્થના વિશે શિક્ષિત કરવાની આ પહેલ હતી. તેમણે આગળ કહ્યું કે, “આ અમારા પ્રયાસનું ખોટું અર્થઘટન છે.” જોકે, ઉશ્કેરાયેલા વાલીઓએ આવી કોઈ પહેલની જાણ હોવાનો ઇનકાર કર્યો હતો.” એક વાલીએ કહ્યું કે, “અમારામાંથી કોઈને આ અંગે જાણ કરવામાં આવી નથી.” તેમણે કહ્યું કે, “જો અમને જાણ કરવામાં આવી હોત તો અમે પહેલા જ વાંધો ઉઠાવ્યો હોત. અમે બાળકોને અહીં એટલા માટે મોકલી રહ્યા છીએ કારણ કે તે હિંદુ સ્કૂલ છે. ઇસ્લામિક પ્રાર્થનાની જરૂર નથી. શું મદરેસામાં કોઈ હિંદુ પ્રાર્થના થશે?”
ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, વાલીઓના વિરોધનું નેતૃત્વ સ્થાનિક બીજેપી ધારાસભ્ય યોગેશ સાગર દ્વારા કરવામાં આવ્યું હતું. દરમિયાન, શિવસેનાના સ્થાનિક નેતા સંજય સાવંતે પોલીસને ફરિયાદ આપી હતી કે શાળા વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરી રહી છે અને વાલીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે. સાગર શાળાના ગેટ પર પહોંચ્યા હતા, જેના પગલે પ્રદર્શનકારીઓ શાળાના પ્રિન્સિપાલ સાથે મીટિંગની માગ સાથે શાળા પરિસરમાં પ્રવેશ્યા હતા.
લઘુમતી સમુદાયની એક શિક્ષિકાએ શુક્રવારે સવારની એસેમ્બલી દરમિયાન લાઉડસ્પીકર પર અઝાન વગાડવા માટે તેના ફોનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું, તે માત્ર એક ભૂલ નથી. શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગ કરતા સાગરે કહ્યું કે, “આ દેશમાં લોકશાહી છે, પરંતુ અમે તેનું આ રીતે શોષણ થવા દઈશું નહીં.” સ્થાનિક કૉર્પોરેટર પ્રતિભા ગિરકરે જણાવ્યું હતું કે, “તે હિંદુ શાળા છે, આ શાળામાં ક્યારેય કોઈ ઈસ્લામિક નમાજ પઢવાની પ્રથા નથી. શાળા પ્રશાસન અમારી સાથે દલીલ કરી રહ્યું છે કે તેને તેની જાણ નહોતી. પરંતુ પ્રશાસનની જાણ વગર શિક્ષક શાળાના લાઉડસ્પીકર પર અઝાન વગાડવાનું કેવી રીતે નક્કી કરી શકે?"