22 August, 2024 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણેમાં બૉયફ્રેન્ડે સગીરાને જાળમાં ફસાવીને હવસનો શિકાર બનાવવાનો મામલો પણ સામે આવ્યો
બદલાપુરની સ્કૂલમાં સાડાત્રણ વર્ષની બે બાળકીનો વિનયભંગનો મામલો ગરમ છે ત્યારે મહારાષ્ટ્રના અકોલામાં શિક્ષકે ૬ સ્ટુડન્ટ્સનું અને પુણેમાં બૉયફ્રેન્ડે સગીરાને બ્લૅકમેઇલ કરીને શારીરિક શોષણ કરવાની ઘટના સામે આવતાં રાજ્યમાં મહિલાઓ સામેની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થતાં રોષનું વાતાવરણ ઊભું થયું છે.
અકોલામાં એક શિક્ષકે ૬ વિદ્યાર્થિનીઓ પર શારીરિક અત્યાચાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. અકોલા જિલ્લાની બાળાપુર તાલુકાની જિલ્લા પરિષદની સ્કૂલમાં સેકન્ડરી વિભાગના એક શિક્ષકે અશ્લીલ વિડિયો બતાવીને ૬ વિદ્યાર્થિનીઓને પોતાની વાસનાનો ભોગ બનાવી હોવાનું જાણવા મળ્યું હતું. મંગળવારે સાંજે આ મામલો સામે આવતાં અકોલામાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે શિક્ષક સામે ફરિયાદ નોંધી છે. સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દીપક કેસરકરે શિક્ષક સામે કઠોર કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
બીજી ઘટનામાં પુણેના ૨૧ વર્ષના આરોપી હર્ષ મહાડિકે એક સગીરા સાથે ફ્રેન્ડશિપ કર્યા પછી પોતાની જાળમાં ફસાવીને બે વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ડિસેમ્બરે ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૪ દરમ્યાન આરોપી હર્ષ મહાડિકે સગીર કિશોરીને બ્લૅકમેઇલ કરીને અનેક વખત પોતાની વાસનાનો ભોગ બનાવી હોવાની ફરિયાદ મળતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. આરોપી હર્ષ મહાડિકે પીડિત સગીરાને તેના ઘરમાંથી દાગીના ચોરવાનું કહ્યું હતું. પીડિતાએ તેની મમ્મીના ૨૦ લાખ રૂપિયાના દાગીના ચોરીને આરોપીને આપ્યા હતા. દાગીના આપ્યા બાદ પણ હર્ષ મહાડિકની માગણીઓ વધતી જતી હતી એટલે પીડિતાએ તેની માતાને આ બાબતની જાણ કરતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પુણેની માર્કેટ યાર્ડ પોલીસે બાદમાં આરોપીની ધરપકડ કરી હતી.
આઠ વર્ષની બાળકીનો વિનયભંગ કરવા બદલ ઇઅરરિંગ્સ વેચનારાની ધરપકડ કરવામાં આવી
મુંબઈના નાગપાડા વિસ્તારમાં આઠ વર્ષની એક બાળકીને ઇઅરરિંગ્સ દેખાડવાના નામે વિનયભંગ કરવાની ઘટના સામે આવી છે. નાગપાડા પોલીસે ઝુબેર શેખ નામના ઇઅરરિંગ્સ વેચનારા સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ (POCSO) અંતર્ગત ગુનો નોંધીને તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.