01 April, 2023 09:10 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતિકાત્મક તસવીર
મુંબઈ : માર્ચ અંત આવે એ પહેલાં હિસાબ-કિતાબનું ફાઇનલાઇઝેશન અંતિમ તબક્કામાં ચાલતું હોય, પણ ઘણા તો એ પછી પણ એન્ટ્રી પાડતા કે નાખતા હોય છે, ટૅક્સ ટાળવાના અથવા બચાવવાના અનેક ઉપાય ચાલતા રહે છે, જેમાં કાંઈ ખોટું પણ નથી. જોકે લેભાગુઓ અને ચાલાક વર્ગ પછીથી ખર્ચાઓની એન્ટ્રી નાખવાનાં ઘણાં ગતકડાં કરતા રહે છે. આ ગેરવાજબી પ્રવૃત્તિની છટકબારી પૂરવા સરકારે હવે અકાઉન્ટિંગ અને ઑડિટ બાબતે નવો નિયમ બહાર પાડ્યો છે. કરચોરી સામે સરકાર તરફથી આજથી એટલે કે પહેલી એપ્રિલથી (આ એપ્રિલ ફૂલ નથી) એક નવુંનક્કોર કદમ લાગુ થઈ રહ્યું છે.
એકેએક ફેરફારની નોંધણી થશે
અનેક વેપાર-ઉદ્યોગના લાખો-કરોડોના બિઝનેસમાં ટૅક્સ બચાવવા માટે આમ તો કાયદેસરની ઘણી જોગવાઈઓ છે. સરકાર તરફથી કંપનીઓને કેટલીક કરરાહતો કરમાફી પ્રોત્સાહન સ્વરૂપે અપાયેલી છે છતાં કાળાં નાણાંના વધુ કામકાજ કરતો વર્ગ અને કરચોરી કરવા માગતો વર્ગ એક યા બીજા રસ્તા કાઢી જ લેતો હોય છે. હવે મિનિસ્ટ્રી ઑફ કૉર્પોરેટ અફેર્સ (એમસીએ) દ્વારા બહાર પડાયેલા નવા આદેશને કારણે ઘણી કંપનીઓ માટે આ માર્ગ બંધ થઈ જશે યા આકરો બની જશે. નવા નિયમ પ્રમાણે અકાઉન્ટિંગ માટે કંપનીઓ અત્યાર સુધી જે અકાઉન્ટિંગ સૉફટવેર વાપરતી આવી છે એના સ્થાને હવે નવાં સૉફટવેર દાખલ કરવાનું કહેવાયું છે, જે દરેક ટ્રાન્ઝૅક્શન (નાણાવ્યવહાર)નું ઑડિટ ટ્રેઇલ કરશે. સરળ શબ્દોમાં કહીએ તો કંપની આખા વર્ષના હિસાબ બાદ નફો જોઈને ટૅક્સ ટાળવા કે બચાવવા ચાલાકીથી છેલ્લા દિવસોમાં યા છેલ્લા સમયગાળામાં ઘણી એન્ટ્રીઓ નાખતી હોય છે, જે વાસ્તવમાં ખોટા વ્યવહાર કે ખર્ચની એન્ટ્રી હોય છે. નવું અકાઉન્ટિંગ સૉફટવેર છેલ્લી ઘડીએ કે પછી કોઈ પણ તારીખે નવી એન્ટ્રી નખાઈ હશે તો એને તારીખ સાથે પકડી શકશે. અર્થાત્, બિઝનેસમૅન પોતાના હિસાબમાં પછીથી કોઈ પણ ફેરફાર કરવા જશે તો તેને ઇન્કમ ટૅક્સ વિભાગ તારીખ મુજબ ઝડપી શકશે. ઇન શૉર્ટ, અકાઉન્ટ્સમાં પછીથી કોઈ પણ ફેરફાર થયા હશે તો એ કઈ તારીખે થયા એ નોંધાઈ જશે, જે આ પહેલાં સંભવ નહોતું. કંપનીઓ વર્ષાંતે કે એ પછી ઘણાં ઍડ્જસ્ટમેન્ટ કરતી રહે છે જે પકડમાં આવતી નથી. જોકે હવે આ લાંબું ચાલવાનું મુશ્કેલ બનશે.
કરદાતાઓ વધુ સજાગ અને શિસ્તબદ્ધ બને
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મુકેશ શાહ કહે છે, ‘કરદાતાઓએ હવે પછી વધુ સજાગ રહેવું પડશે, જો તેઓ હિસાબ-કિતાબ સાથે કોઈ પણ પ્રકારનાં ચેડાં કરવા જશે તો ઇન્કમ ટૅક્સ વિભાગ તેમને સહેલાઈથી પકડી શકશે. ટેક્નૉલૉજી બધે જ અસરકારક કામ કરી રહી હોવાથી કરદાતાઓ ખોટા કામકાજ-વ્યવહાર અને એન્ટ્રીઓથી દૂર રહે એ તેમના હિતમાં રહેશે.’
‘અકાઉન્ટિંગ એન્ટ્રીઝનું યોગ્ય મૅનેજમેન્ટ કરવું, પાલન કરવું એ કૉર્પોરેટ અસેસીની જવાબદારી છે. વર્ષના આરંભથી જ કંપનીઓ આવક અને ખર્ચના પ્રૉપર પ્લાનિંગ સાથે આગળ વધે એ સલાહભર્યું છે, બાકી છેલ્લા સમયમાં અકાઉન્ટ્સ સાથે ગતકડાં કરવાં તેમને ભારે પડી શકે છે. કરચોરી અને ફૉલ્ટી ટૅક્સ પ્લાનિંગને બદલે યોગ્ય અકાઉન્ટિંગ અને ટૅક્સ મૅનેજમેન્ટ કરવામાં સાર છે’ એવું મુકેશ શાહ ઉમેરે છે.
આઇસીએઆઇની માર્ગદર્શિકા
કરચોરી અને કર ટાળવાના ઉપાય સામે ઑડિટરને પણ વધુ જવાબદાર બનાવવાનું લક્ષ્ય છે અને એ માટે ઑડિટ ટ્રેઇલનો વ્યાપ વધારાયો છે. આઇસીએઆઇ (ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા)એ આ વિષયમાં સીએ વર્ગ માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે. એપ્રિલ ૨૦૨૩થી શરૂ થયેલા નાણાકીય વર્ષથી દરેક કંપનીએ એવું અકાઉન્ટિંગ સૉફટવેર વાપરવાનું રહેશે, જેમાં એકેએક વ્યવહારના ઑડિટ ટ્રેઇલનું રેકૉર્ડિંગ થઈ શકે. એકેએક ફેરફાર માટે એડિટ લૉગ હશે અને એ તારીખ મુજબ ફેરફાર નોંધાશે અને એમાં ઑડિટ ટ્રેઇલ ડિસેબલ્ડ ન થાય એની તકેદારી રખાશે.
આઇસીએઆઇની માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર હાલમાં ગ્લોબલ સ્તરે પણ ઑડિટર્સ માટે આવી માર્ગરેખા ન હોવાથી ઇન્ટરનૅશનલ સ્ટાર્ન્ડડનું ગાઇડન્સ મળતું નથી, જેથી ઑડિટર્સને તેમની જવાબદારી નિભાવવામાં આ માર્ગરેખા ઉપયોગી બનશે. કંપનીઓના મૅનેજેમન્ટને પણ હવે પછી આ નવા અકાઉન્ટિંગ સૉફટવેરનો અમલ કરવાની ફરજ પડશે.
અકાઉન્ટિંગ સૉફ્ટવેરનું મહત્ત્વ
મહત્ત્વની વાત એ છે કે કંપનીના અકાઉન્ટ્સમાં ફેરફાર કઈ તારીખે થયા, કયા ડેટા બદલાયા અને કોણે આમ કર્યું એ પણ નોંધાઈ જશે, જેથી આ ઑડિટ ટ્રેઇલ ફીચર્સ કાયમ ખુલ્લું-કાર્યરત રાખવાનું રહેશે, એને બંધ કરાશે નહીં, એની પૂરેપૂરી કાળજી લેવાની ખાતરી આપવાની રહેશે. અત્યારે મોટા ભાગની કંપનીઓ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ઈઆરપી)નો ઉપયોગ કરે છે, જેમાં કંપની ચાહે એમ પોતાની પાસે અંકુશ રાખી શકે છે, અર્થાત્ ઑડિટ ટ્રેઇલને કાર્યરત યા નિષ્ક્રિય બનાવી શકે છે, જેથી ઑડિટર પણ એમાં હસ્તક્ષેપ કરી શકતા નથી, હવે ઑડિટરની જવાબદારી વધશે. ઑડિટરે પોતાના હિતમાં મૅનેજમેન્ટની પૉલિસીથી વાકેફ થવું જોઈશે.