20 January, 2025 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિરમા ભરત ઠાકોર
મુંબઈમાં ગઈ કાલે આયોજિત કરવામાં આવેલી તાતા મુંબઈ મૅરથૉનની ફુલ મૅરથૉનમાં ઇન્ડિયન એલિટ વુમન કૅટેગરીમાં ઉત્તર ગુજરાતના પાટણ પાસેના હાજીપુર ગામની ૨૮ વર્ષની નિરમા ભરત ઠાકોરે સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેણે આ રેસ બે કલાક ૫૦ મિનિટ અને ૬ સેકન્ડમાં પૂરી કરી હતી. ખેડૂત પરિવારની નિરમાએ ૨૦૨૧થી મૅરથૉન દોડવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધી તેણે મુંબઈની બે સહિત સાત મૅરથૉનમાં ભાગ લીધો છે. ૨૦૨૨માં પ્રયાગરાજમાં આયોજિત ઇન્દિરા મૅરથૉનમાં પણ નિરમાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
પાટણના હાજીપુર ગામમાં રહેતી નિરમા ઠાકોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગામમાં અમે છ છોકરીઓ હતી જેને રેસ લગાવવાનો બહુ શોખ હતો. મારા સિવાયની પાંચ છોકરીઓની હાઇટ સારી હતી એટલે તેઓ પોલીસમાં જોડાઈ. મારું કદ થોડું નીચું છે જેથી પોલીસમાં જવાની ઇચ્છા હોવા છતાં જઈ ન શકી. આમ છતાં મેં દોડવાનું ચાલુ જ રાખ્યું. આમ તો નાનપણથી હું ગામ, તાલુકા અને જિલ્લામાં દોડું છું. લગભગ દરેક રેસમાં હું અવ્વલ આવતી. આથી પ્રોત્સાહન મળ્યું અને પહેલી વખત ૨૦૨૧માં ફુલ મૅરથૉન દોડી હતી, જેમાં હું બીજી આવી હતી. એ જ વર્ષે પ્રયાગરાજમાં આયોજિત ફુલ મૅરથૉનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અમારા પરિવારમાં મારા કાકા ક્રિકેટ રમતા હતા. એ સિવાય કોઈ સ્પોર્ટ્સમાં નથી. મારે મુંબઈ અને ભારત સહિત દેશ-વિદેશની મૅરથૉનમાં દોડવું છે. ફોકસ માત્ર સ્પોર્ટ્સમાં જ રહે એ માટે લગ્ન નથી કર્યાં.’
નિરમા નામ વિશે તેણે કહ્યું હતું કે ‘મારા દાદા મંગાજી ઠાકોરને નિરમા વૉશિંગ પાઉડરની જાહેરાતમાં એ સમયે આવતી છોકરી ખૂબ ગમતી હતી. આને લીધે ૧૯૯૭ની ૩૧ ડિસેમ્બરે મારો જન્મ થયો હતો ત્યારે દાદાએ મારું નામ નિરમા રાખી દીધું હતું.’