17 January, 2024 10:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટાટા મુંબઈ મેરેથોન
શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC)એ ટાટા મુંબઈ મેરેથોન 2024ના પ્લેટફોર્મ દ્વારા અભૂતપૂર્વ રુ. 15 કરોડની દાન રકમ એકઠી કરી છે. મુંબઈ મેરેથોનમાં છેલ્લા 11 વર્ષથી ‘સૌથી વધુ દાનરાશિ એકત્રિત કરનાર NGO`નું બિરુદ જીતનાર SRLCએ રુ. 8.5 કરોડના પોતાના જ રેકોર્ડને બ્રેક કરી પોતાની સહભાગિતાના આ 12મા વર્ષે રુ. 15 કરોડ ભેગાં કરી ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. આ નોંધપાત્ર સીમાચિહ્ન વિશ્વમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સંસ્થાની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.
7 `ચેન્જ લેજેન્ડ્સ
વ્યક્તિગત એક કરોડથી વધુ રૂપિયાની દાનરાશિ એકત્રિત કરનાર 7 ચેન્જ લેજેન્ડ્સના સમર્થનથી શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરે ફરી એક વાર ઈતિહાસ રચ્યો છે - ડૉ. મીરા મહેતા, ડૉ. બીજલ મહેતા, વિપુલ શાહ, શ્યામ જસાણી, સુનીત કોઠારી, ઉત્પલ મહેતા, અને રાજ જૈન, સાથે જ SRLCના આ ઉમદા હેતુમાં જોડાઈને અન્ય વિવિધ કેટેગરીમાં બીજા અનેક લોકોએ દાનરાશિ એકત્રિત કરી છે જેમ કે રૂ. 50 લાખથી વધુ એકત્રિત કરનાર એક ચેન્જ આઈકોન, 11 યુવા નેતાઓ, 35 કોર્પોરેટ ટીમો વગેરે.
ગ્રામીણ ગુજરાતમાં આરોગ્યસેવાના અભિયાનો અને 250 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલને સફળતાપૂર્વક ચલાવ્યા બાદ શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરે હવે પ્રાણીઓને પણ સુલભ આરોગ્યસેવાઓ પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે ભારતની એક વિશિષ્ટ પ્રાણી હોસ્પિટલ - શ્રીમદ્ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલના નિર્માણ કાર્યનો ગયા વર્ષે શુભારંભ કર્યો હતો અને 2024ના અંત સુધીમાં - બે વર્ષના ટૂંકા ગાળામાં તેને પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ એનિમલ હૉસ્પિટલનો ઉદ્દેશ્ય તમામ પ્રાણીઓને વિશ્વકક્ષાની તકનીકો અને સુવિધાઓ સાથે વ્યાપક આરોગ્યસેવા પૂરી પાડવાનો છે. નાના અને મોટા, પાલતુ અને જંગલી તમામ પ્રાણીઓ માટે સીટી સ્કેન, 2ડી ઇકોકાર્ડિયોગ્રાફી, લેપ્રોસ્કોપી, એન્ડોસ્કોપી, ફિઝિયોથેરાપી જેવી અત્યાધુનિક સારવાર સુવિધાઓ સાથે આ હોસ્પિટલ ઉચ્ચ સ્તરની અગ્રણી સંસ્થાઓમાંની એક બનશે. 40 એકરમાં ફેલાયેલ આ હોસ્પિટલ 5000થી પણ વધુ પ્રાણીઓનો સમાવેશ કરી શકશે, જેમાં અહિંસા અનુભવ કેન્દ્ર, પશુ આશ્રયસ્થાનો અને પશુ ચિકિત્સા કૉલેજ પણ હશે.
આ ઉપરાંત આ વર્ષે શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરે ભારતમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં 6 મેગા મેડિકલ કેમ્પના આયોજનનું કાર્ય હાથ ધર્યું છે. આ મેડિકલ કેમ્પ દ્વારા વિશ્વભરના કુશળ ડૉક્ટરોની સેવાઓ અને શહેરી સંસ્થાઓમાં મળતી આધુનિક સારવાર આર્થિક રીતે વંચિત ગ્રામીણ પ્રદેશોને તેઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. અહીં નિદાનથી લઈને સર્જરી અને સર્જરી પછીની સંભાળ સુધીની તમામ તબીબી સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.
શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરના ટ્રસ્ટી ડૉ. બિજલ મહેતાએ જણાવ્યું હતું કે, "ગુરુદેવ રાકેશજીની દરેક જીવને સ્વાસ્થ્ય અને ઉત્થાન પ્રદાન કરવાની કરુણામય દ્રષ્ટિને અનુસરીને SRLC એ માત્ર મનુષ્યો જ નહીં પરંતુ પ્રાણીઓને પણ ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્યસેવાઓ પ્રદાન કરવા સાથે આ વર્ષે મેડિકલ કેમ્પ દ્વારા વિશ્વસ્તરીય આરોગ્યસેવાઓને ગ્રામીણ ભારતના ઘરઆંગણે લઈ જવાનું વધુ એક પગલું ભર્યું છે. TMM 2024માં ડાયમંડ કેટેગરી મેળવીને શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરે ભારતના NGOs માટે નવો માપદંડ બનાવ્યો છે.."
વર્ષોથી શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરનો નિરંતર વિકાસ તેના દાતાઓ, ભાગીદારો અને સમાજ તરફથી સંપાદિત કરેલ વિશ્વાસ અને સમર્થનને દર્શાવે છે. 21મી જાન્યુઆરી, 2024 રેસના દિવસે SRLC ‘રાઇઝિંગ ઇન લવ એન્ડ કેર’ની અનોખી થીમ સાથે એક હજારથી વધુ સમર્થકો અને 28 થી વધુ કોર્પોરેટ જૂથોની સાથે દોડશે. એશિયાની 10 મુખ્યમાંની એક એવી TMM 2024 માં નિઃસ્વાર્થપણે આપવાની ભાવનાનું તેમનું આ અભૂતપૂર્વ પ્રદર્શન દર્શાવે છે કે સામૂહિક કાર્યથી પરિવર્તન શક્ય છે.