30 June, 2020 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
26/11 ના રોજ તાજ હોટેલ પર થયેલા આતંકી હુમલાની ફાઈલ તસવીર
મધરાતે પાકિસ્તાનથી મુંબઈની તાજ હોટેલને ઉડાડી દેવાની ધમકી આપતો ફોન આવ્યો છે અને ત્યારબાદ મુંબઈ પોલીસે હોટેલની સુરક્ષા સજ્જ કરી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં પણ વધારો કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ફોન પરની વ્યક્તિએ કહ્યું કે, 'કરાચી સ્ટોક એક્સચેન્જ પર થયેલ આતંકી હુમલો બધાએ જોયો. હવે તાજ હોટેલમાં 26/11 નો હુમલો ફરી એકવાર થશે.' ફોન કરનાર વ્યક્તિએ તેનું નામ સુલ્તાન કહ્યું હતું અને હોટેલના કર્મચારીને પોતાનો વોટ્સએપ નંબર પણ આપ્યો છે. પોલીસ હવે ફોન કરનારની વિગતો કઢાવી રહી છે. આ ફોન આવ્યા બાદ તાત્કાલિક મુંબઈ પોલીસ અને બૉમ્બ સ્ક્વૉડની ટીમે હોટેલની તપાસ કરી હતી. હોટેલની બહાર અને ગેટ વે ઓફ ઈન્ડિયાના વિસ્તારમાં સ્પેશિયલ ફોર્સ 'મુંબઇ વન'ની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. અહીં આવતા મહેમાનો અને તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે.
આ ફોને તાજ હોટેલ પર થયેલા 26/11ના હુમલાની યાદો તાજી કરી દીધી છે. વર્ષ 2008માં પાકિસ્તાનના કેટલાક લોકોએ બોટ દ્વારા મુંબઇમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈની તાજ હોટેલ, ઓબેરોય હોટેલ, સીએસટી સ્ટેશન, લિયોપોલ્ડ કેફે, મેટ્રો સિનેમા, મુંબઈ છબડ હાઉસ અને ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં આ આતંકવાદી હુમલો કર્યો હતો. હુમલો લગભગ 60 કલાક ચાલ્યો હતો. આતંકીઓએ સાત વિદેશી નાગરિકો સહિત ઘણા મહેમાનોને બંધક બનાવ્યા હતા. તાજ હોટેલની હેરિટેજ વિંગને આગ ચાંપી દીધી હતી. એનએસજી કમાન્ડો 27 નવેમ્બરની સવારે આતંકવાદીઓનો સામનો કરવા પહોંચ્યા હતા. 29 નવેમ્બરની સવાર સુધી હોટેલ તાજનું ઓપરેશન ચાલ્યું હતું. જેમાં 166 લોકો માર્યા ગયા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા. મૃત્યુ પામેલા લોકોમાં 28 વિદેશી નાગરિકો પણ હતા. મુંબઈ આતંકવાદી હુમલામાં આતંકવાદી અજમલ કસાબને મુંબઈ પોલીસે જીવતો પકડ્યો હતો. ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા તેની આ ઘટના અંગે પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આ હુમલામાં પાકિસ્તાન સામેલ હોવાનું તેણે જણાવ્યું હતું. કસાબને 21 સપ્ટેમ્બર 2012 ના રોજ પુણેની યરવાડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.