તહવ્વુર રાણા ૨૬/૧૧ના અટૅક પહેલાં બે દિવસ પવઈની હોટેલમાં રોકાયો હતો

27 September, 2023 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સોમવારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ સંબંધિત કેસોની સુનાવણી કરતી સ્પેશ્યલ કોર્ટ સમક્ષ ૪૦૦થી વધુ પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી

ફાઇલ તસવીર

૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં પાકિસ્તાની મૂળના કૅનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણા સામે દાખલ કરવામાં આવેલી સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં સિટી પોલીસે જણાવ્યું હતું કે તહવ્વુર રાણા નવેમ્બર ૨૦૦૮માં હુમલા પહેલાં બે દિવસ પવઈની એક હોટેલમાં રોકાયો હતો.

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સોમવારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ સંબંધિત કેસોની સુનાવણી કરતી સ્પેશ્યલ કોર્ટ સમક્ષ ૪૦૦થી વધુ પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી, જે આ કેસમાં અત્યાર સુધીની ચોથી ચાર્જશીટ છે.

તહવ્વુર રાણા હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં અટકાયત હેઠળ છે અને મુંબઈ હુમલામાં તેની સંડોવણી બદલ તે આરોપોનો સામનો કરી રહ્યો છે. તહવ્વુર રાણા પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી અને મુંબઈ અટૅકના એક કાવતરાખોર ડેવિડ હેડલી સાથે સંકળાયેલો હોવાનો પણ આરોપ છે.

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘ચાર્જશીટ મુજબ તહવ્વુર રાણા ૧૧ નવેમ્બર ૨૦૦૮ના રોજ ભારત આવ્યો હતો અને ૨૧ નવેમ્બર સુધી દેશમાં રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન તે પવઈની રેનેસાં હોટેલમાં બે દિવસ રહ્યો હતો.’

અધિકારીએ ઉમેર્યું હતું કે ‘અમને રાણા વિરુદ્ધ દસ્તાવેજી પુરાવા અને કેટલાંક નિવેદનો મળ્યાં છે જે ૨૬/૧૧ના કાવતરામાં તેની ભૂમિકા સૂચવે છે. આ પુરાવા દર્શાવે છે કે રાણા પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમૅન હેડલી સાથે ષડયંત્રમાં સક્રિય રીતે સામેલ હતો. રાણાએ જ નકલી દસ્તાવેજોની મદદથી હેડલીને ભારતીય ટૂરિસ્ટ વિઝા મેળવવામાં મદદ કરી હતી અને કથિત રીતે ૨૬/૧૧ના હુમલામાં લશ્કર-એ-તૈયબાને લૉજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો.’

ચાર્જશીટના સંજ્ઞાન અંગેની સુનાવણી મંગળવારે યોજાવાની હતી. જોકે કેટલીક ટેક્નિકલ સમસ્યાઓને કારણે એ થઈ શક્યું નથી. હવે એની સુનાવણી બુધવારે થશે.

26/11 attacks taj hotel mumbai mumbai news