06 December, 2024 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદય સામંત
મહારાષ્ટ્રની આગામી સરકારની ગઈ કાલે મુંબઈમાં શપથવિધિ થઈ. દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તો એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. મહાયુતિને પ્રચંડ બહુમત મળ્યો છે ત્યારે પ્રધાનોની શપથવિધિ પણ સાથે યોજવાનો પ્લાન હતો. જોકે એકનાથ શિંદે છેલ્લી ઘડી સુધી નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે કે નહીં એનું સસ્પેન્સ રહ્યું હતું. આથી પ્રધાનમંડળમાં કયા પક્ષને કેટલાં ખાતાં ફાળવવામાં આવશે એની ચર્ચા નહોતી થઈ શકી. એને લીધે ગઈ કાલે માત્ર મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનની જ શપથવિધિ થઈ શકી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ નવી સરકારની શપથવિધિ સમયે ૧૦થી ૧૨ પ્રધાનોની પણ શપથવિધિ થાય એ માટેની તૈયારીઓ કરવામાં આવી હતી.
શિવસેનાના વરિષ્ઠ નેતા ઉદય સામંતે ગઈ કાલે કહ્યું હતું કે ‘આગામી સરકારમાં ગૃહવિભાગ શિવસેનાને મળે એ માટેના પ્રયાસ કાયમ છે. આ વિશે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનોના શપથ લેવાઈ ગયા બાદ વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંડળની શપથવિધિ ૧૧થી ૧૩ ડિસેમ્બરની વચ્ચે થઈ શકે છે.’