22 August, 2024 09:00 AM IST | Mumbai | Mehul Jethva
ગઈ કાલે બદલાપુરમાં બંધ જેવો માહોલ હતો અને પોલીસ-સ્ટેશન સામે મહિલાઓનાં ધરણાં હતાં એટલે પોલીસ ખડેપગે હતી. તસવીરો : સૈયદ સમીર અબેદી
આ શંકાના આધારે પોલીસે કૉલ-રેકૉર્ડ્સ કઢાવવાની પ્રક્રિયા શરૂ કરીને તપાસ હાથ ધરી : વૉટ્સઍપ ગ્રુપ બનાવીને લોકોને બદલાપુર સ્ટેશને પહોંચવાનું કહેવામાં આવ્યું હતું
બદલાપુરમાં બે નાની બાળકીઓના શોષણની ઘટનાને કારણે મંગળવારે બદલાપુર બંધનું એલાન આપી ઘણા પ્રદર્શનકારીઓ રેલવે-ટ્રૅક પર ઊતરી આવ્યા હતા. આંદોલન એટલું વધી ગયું કે કલાકો સુધી રેલવે-સર્વિસ બંધ રહી હતી. પ્રદર્શનકારીઓ કોઈ વાત સાંભળવા તૈયાર ન થતાં અંતે પોલીસે લાઠીચાર્જ કરી તેઓને રેલવે-સ્ટેશનથી હટાવ્યા હતા. ત્યાર બાદ લોકલ-સર્વિસ ફરી ચાલુ કરવામાં આવી હતી. ગઈ કાલે પણ બદલાપુરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી હતી. ઉપરાંત ગઈ કાલે પણ ઇન્ટરનેટ સેવાઓ બદલાપુર અને અંબરનાથ વિસ્તારમાં બંધ રાખવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર પોલીસે દાવો કર્યો હતો કે હિંસક આંદોલન પાછળ બદલાપુરના નહીં પણ બહારના લોકો આવ્યા હતા જેના કૉલ-ડેટા કાઢી વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.
ગઈ કાલે પણ બદલાપુરના અમુક વિસ્તારોમાં દુકાનો બંધ હતી
બદલાપુરમાં મંગળવારે થયેલા આંદોલનમાં મોટા ભાગનાં વેપારી અસોસિએશન અને યુનિયનો દ્વારા બંધને સપોર્ટ કરવામાં આવ્યો હતો. ગઈ કાલે પણ બદલાપુરના અનેક વિસ્તારોમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી. સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે બદલાપુર બહુ જ નાનો વિસ્તાર છે, પણ અહીંની કિશોરીઓ માટે કરેલું આંદોલન આખા મહારાષ્ટ્રમાં ગાજ્યું હતું. હજી પણ જો આરોપી પર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આનાથી ઉગ્ર આંદોલનનો સામનો કરવા પોલીસે તૈયાર રહેવું પડશે.
બદલાપુરના પ્રદર્શનકારીઓના કેસો મફત લડવામાં આવશે
બદલાપુરની કિશોરીઓ સાથે દુર્વ્યવહારના વિરોધમાં ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ સ્કૂલની સામે વિરોધ-પ્રદર્શન કરી સ્કૂલની તોડફોડ કરી હતી. ત્યાર બાદ રેલવે-ટ્રૅક પર પણ આંદોલન કરી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ પોલીસે બદલાપુરમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધ્યા હતા. કલ્યાણ અને ઉલ્હાસનગરના બાર અસોસિએશનના સભ્ય ઍડ્વોકેટ કલ્પેશ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને મારી ૮૦ વકીલોની ટીમ પ્રદર્શનકારીઓના કેસ મફત લડીશું જેમાં તેઓને જામીન અપાવી આગળ પણ અમે આ કેસમાંથી તેઓને બહાર કાઢવા મદદ કરીશું.’
પોલીસને શંકા : આટલા નાગરિકો કોઈકના નેતૃત્વ હેઠળ ભેગા થયા હતા
મંગળવારે આટલી મોટી સંખ્યામાં નાગરિકો ભેગા થવા, પોલીસ પર પથ્થરમારો કરવો; એટલું જ નહીં, કલાકો સુધી સ્ટેશન પરિસરમાં ઊભા રહેવું આ બધી ચીજો સામાન્ય જનતા માટે થોડીક મુશ્કેલ છે, એમ જણાવતાં બદલાપુર પોલીસ-સ્ટેશન સાથે જોડાયેલા એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હિંસક આંદોલન પાછળ કોણ હતું એની અમે બારીકાઈથી તપાસ કરી રહ્યા છીએ, કારણ કે આ આંદોલનને હિંસક આંદોલન બનાવવા પાછળ કેટલાક સામાજિક કાર્યકરોનો હાથ હોવાની અમને શંકા છે જેની શોધ માટે ફોન-કૉલની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત સ્ટેશન વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) પણ તપાસી રહ્યા છીએ.’
બદલાપુરમાં આંદોલનથી રેલવેને ૧૦ કરોડનું નુકસાન
બદલાપુર રેલવે-સ્ટેશન પર અસંખ્ય લોકોએ મંગળવારે આંદોલન કરીને ટ્રેનવ્યવહાર ઠપ કરી દીધો હતો એને લીધે રેલવેને ૧૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો રેલવેના સરકારી વકીલે ગઈ કાલે કોર્ટમાં કર્યો હતો. ગેરકાયદે આંદોલન કરવા બદલ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓને રેલવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે સરકારી વકીલે કહ્યું હતું કે ‘આંદોલનને લીધે લોકલ ટ્રેનોની સાથે બહારગામની એક્સપ્રેસ ટ્રેનોને બીજે વાળવી પડી હતી. ૧૦ કલાક સુધી ટ્રેનવ્યવહાર સાવ બંધ રહ્યો હતો. જેને લીધે રેલવેને આ નુકસાન થયું હતું.’
ગઈ કાલે સવારે આરોપી અક્ષય શિંદેને કલ્યાણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે તેને કોર્ટે ૨૬ ઑગસ્ટ સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. વિશેષ એ છે કે કલ્યાણના વકીલોએ તેનો કેસ લડવાનો પત્ર લેવાનો ઇનકાર કરી દીધો છે. આરોપી જ્યાં રહે છે એ ખારવાઈ ગામમાં ગુસ્સે ભરાયેલા નાગરિકોએ તેના ઘરની તોડફોડ પણ કરી હતી.
GRP અને બદલાપુર સિટી પોલીસે ૬૦ લોકોની સત્તાવાર ધરપકડ કરી
આરોપીઓને શોધવા માટે અમે CCTV કૅમેરાનાં ફુટેજની મદદ લઈ રહ્યા છીએ એમ જણાવીને કલ્યાણ રેલવે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પંઢરીનાથ કાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારની ઘટના બાદ અમે પ્રાથમિક માહિતી અનુસાર ૩૦૦થી ૪૦૦ લોકો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને બાવીસ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત બાકીના ૧૦ લોકોને નોટિસ આપીને છોડી મૂકવામાં આવ્યા છે. આ કેસમાં આરોપીઓને શોધવા માટે RPFની એક ટીમ અને અમારી એક ટીમ CCTV ફુટેજની મદદથી તેમના સુધી પહોંચી રહી છે.’
બદલાપુર પોલીસે આંદોલન કરનારા લોકો સામે ત્રણ સેપરેટ કેસ નોંધીને ૮૦થી વધુ લોકોને તાબામાં લીધા છે, જેમાંથી ૩૮ લોકોની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. બાકીના લોકોની વિગતવાર માહિતી કાઢીને તેમની ધરપકડ કરવામાં આવશે.
પોલીસે આદર્શ વિદ્યામંદિર સ્કૂલની બહાર બંદોબસ્ત વધાર્યો
મંગળવારે બદલાપુર-ઈસ્ટમાં આવેલી આદર્શ વિદ્યામંદિર સ્કૂલમાં આંદોલનકારીઓએ તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્કૂલના સ્ટાફની મારઝૂડ કરવાની પણ કોશિશ કરવામાં આવી હતી. એ જોઈને ગઈ કાલે સવારથી સ્કૂલની બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ગઈ કાલે બદલાપુર સ્ટેશને રેલવે-સર્વિસ બરાબર ચાલી
મંગળવારની ઘટના બાદ RPF અને GRPએ ગઈ કાલે વહેલી સવારથી જ બદલાપુર રેલવે-સ્ટેશન પર બંદોબસ્ત કર્યો હતો. એમાં બન્ને બાજુના એન્ટ્રી-પોઇન્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. એને કારણે ગઈ કાલે બદલાપુર રેલવે-સ્ટેશન પર ટ્રેન-સર્વિસ યોગ્ય રીતે ચાલી હતી.
વૉટ્સઍપ ગ્રુપ બનાવીને લોકોને બદલાપુર સ્ટેશને પહોંચવાનું કહેવામાં આવ્યું
બદલાપુર રેલવે-સ્ટેશન પર મંગળવારે કલાકો સુધી અસંખ્ય લોકોએ આંદોલન કરીને રેલવ્યવહાર ઠપ કરી દીધો હતો. બીજી બાજુ અનેક લોકો આદર્શ સ્કૂલમાં પહોંચ્યા હતા અને તેમણે તોડફોડ કરવાની સાથે સ્કૂલમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે પોલીસે કરેલી તપાસમાં જણાઈ આવ્યું હતું કે આ આંદોલન પૂર્વનિયોજિત હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સ્કૂલમાં માસૂમ બાળકીઓ પર અત્યાચાર થવાના મામલામાં વિરોધ કરી રહેલા લોકો લાડલી બહિણ યોજનાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. તેમની પાસે બીજાં પ્લૅકાર્ડ્સ પણ હતાં. આથી આ આંદોલન રાજકીય હોવાનું જણાઈ આવે છે. સોમવારે આંદોલન થવાનું હતું, પરંતુ એ દિવસે રક્ષાબંધન હતી એટલે મંગળવાર નક્કી કરવામાં આવ્યો હતો. લોકોને બદલાપુર રેલવે-સ્ટેશન પહોંચવા માટે સવારના ૬ વાગ્યે વૉટ્સઍપમાં મેસેજ મોકલવામાં આવ્યો હતો. આથી આ સમયે રેલવે-સ્ટેશનની બહાર લોકો જમા થવા લાગ્યા હતા. સવારના ૧૦ વાગ્યે તેમણે ટ્રૅક પર આવીને પહેલી ટ્રેન રોકી હતી. એ પછી ૧૧ વાગ્યે આદર્શ સ્કૂલની બહાર આંદોલનકારીઓ પહોંચ્યા હતા. તેમણે સ્કૂલની તોડફોડ કરવાની સાથે આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો.