16 December, 2023 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિયા ચક્રવર્તી
મુંબઈ : રિયા ચક્રવર્તીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસના સંદર્ભમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ તેની સામે જારી કરેલા લુકઆઉટ પરિપત્રને પડકારતી અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરી છે.
સુશાંત ૧૪ જૂન ૨૦૨૦ના રોજ બાંદરામાં તેના અપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના પિતાએ જુલાઈમાં તેની તત્કાલીન ગર્લફ્રેન્ડ રિયા અને તેનાં સગાંઓ પર સુશાંતને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવતી બિહાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
રિયાએ પોતાની અરજીમાં પરિપત્રને રદ કરવાની માગ કરી હતી તથા એક અન્ય અરજીમાં પરિપત્રને કામચલાઉ સ્થગિત કરવાની માગ કરી હતી, કારણ કે તેને એક પ્રોફેશનલ ઇવેન્ટ માટે વિદેશપ્રવાસ કરવો પડે એમ છે. શુક્રવારે તેના વકીલ અભિનવ ચંદ્રચૂડે જસ્ટિસ એ. એસ. ગડકરીની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચને રજૂઆત કરી હતી કે સીબીઆઇ દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવ્યાને અને લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યાને આશરે ત્રણ વર્ષ થઈ ગયાં છે, પરંતુ આજ સુધી અન્ય કોઈ પ્રગતિ થઈ નથી. રિયાના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે સીબીઆઇએ ક્યારેય રિયા ચક્રવર્તીને કોઈ સમન્સ જારી કર્યો નથી અને એની ચાર્જશીટ પણ દાખલ કરી નથી. સીબીઆઇ તરફથી હાજર રહેલા ઍડ્વોકેટ શ્રીરામ શિરસાટે કહ્યું હતું કે એજન્સીએ અરજીના જવાબમાં એનું સોગંદનામું દાખલ કર્યું છે. ત્યાર પછી બેન્ચે રિયાએ અગાઉ વિદેશપ્રવાસ કર્યો હતો કે નહીં એ જાણવા માગ્યું હતું. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે ડ્રગ્સ કેસમાં જામીન મેળવ્યા બાદ રિયા ચક્રવર્તીને સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટમાંથી વિદેશપ્રવાસની પરવાનગી મળી હતી, પરંતુ સીબીઆઇના લુકઆઉટ સર્ક્યુલરને કારણે તે એમ કરી શકી નહોતી. ત્યાર પછી બેન્ચે આ મામલાની વધુ સુનાવણી ૨૦ ડિસેમ્બરે રાખી છે.