27 December, 2022 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
બૉલીવુડના સદ્ગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને બે વર્ષ થયાં છે ત્યારે અભિનેતાના મૃતદેહનું વિલે પાર્લેની કૂપર હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરનાર કર્મચારીએ ગઈ કાલે દાવો કર્યો હતો કે સુશાંત સિંહે સુસાઇડ નહોતું કર્યું, તેની હત્યા કરવામાં આવી હતી. અભિનેતાના મૃતદેહ પર અનેક મૂઢ માર હતા જે ગળે ફાંસો ખાનાર વ્યક્તિના શરીરમાં જોવા ન મળે. કર્મચારીના આ દાવાથી સુશાંત સિંહના મૃત્યુ બાબતે બે વર્ષથી શંકા સેવાઈ રહી હતી એમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે ગઈ કાલે રાજ્યની વિધાનસભામાં પડઘા પણ પડ્યા હતા.
મુંબઈ બીએમસી દ્વારા સંચાલિત વિલે પાર્લેમાં આવેલી કૂપર હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ વિભાગના કર્મચારી રૂપકુમાર શાહે ગઈ કાલે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે ‘જે દિવસે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ થયું હતું એ દિવસે કૂપર હૉસ્પિટલમાં પાંચ મૃતદેહ પોસ્ટમૉર્ટમ કરવા માટે લાવવામાં આવ્યા હતા. આ પાંચમાંથી એક મૃતદેહ વીઆઇપી હતો. અમે આ વીઆઇપીના મૃતદેહને પોસ્ટમૉર્ટમ કરવા માટે ટેબલ પર મૂક્યો હતો ત્યારે ખ્યાલ આવ્યો હતો કે એ બૉલીવુડના અભિનેતા સુશાંત સિંહનો હતો. અમારા ધ્યાનમાં આવ્યું હતું કે મૃતદેહ પર અનેક મૂઢ મારનાં નિશાન હતાં અને ગળાની આસપાસ પણ ત્રણ ઘા જોવા મળ્યા હતા. પોસ્ટમૉર્ટમનું વિડિયો-રેકૉર્ડિંગ કરવાની જરૂર હતી, પરંતુ અમારા વિભાગના ડૉક્ટરોએ માત્ર ફોટો ક્લિક કરવાનું કહ્યું હતું.’
રૂપકુમાર શાહે વધુમાં કહ્યું હતું કે ‘મેં જ્યારે સુશાંત સિંહના મૃતદેહને પહેલી વાર જોયો હતો ત્યારે તરત જ મેં મારા સિનિયરને કહ્યું હતું કે આ સુસાઇડ નહીં, પણ હત્યાનો મામલો લાગે છે. આથી મેં તેમને કહ્યું હતું કે આપણે નિયમ મુજબ પોસ્ટમૉર્ટમનું વિડિયો-રેકૉર્ડિંગ કરવું જોઈએ. જોકે સિનિયરોએ કહ્યું હતું કે માત્ર ફોટો ક્લિક કરીને વહેલી તકે પોલીસને મૃતદેહ સોંપી દો. આથી અમે રાતે પોસ્ટમૉર્ટમ કર્યું હતું.’