તીર્થની રક્ષા માટે હું રૅલીમાં ગયો હોવાથી આદિનાથદાદાએ બચાવ્યો મારો જીવ

03 January, 2023 08:43 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

રવિવારે મધરાત બાદ સૂર્યનગરી એક્સપ્રેસને નડેલા અકસ્માતમાં બચી ગયેલા યુવરાજ ગાંધીનું કહેવું છે. રાજસ્થાનના પાલી પાસે ખડી પડેલા ૮ ડબામાંથી ૧ ડબામાં ટ્રાવેલ કરી રહેલા જૈન યુવકને એક સમયે તો આંખ સામે યમરાજ દેખાઈ ગયા હતા. નસીબજોગ આ ઍક્સિડન્ટમાં જાનહાની નહીં

સૂર્યનગરી એક્સપ્રેસના આઠ ડબા પાટા પરથી ઊતરી ગયા હતા જેમાં યુવરાજ ગાંધી ફસાઈ ગયો હતો

બાંદરા ટર્મિનસથી જોધપુર જતી સૂર્યનગરી એક્સપ્રેસના ૮ ડબા મારવાડ જંક્શનથી દસેક મિનિટના અંતરે પાટા પરથી ઊતરી ગયા હોવાનો બનાવ રવિવારે રાતે સાડાત્રણ વાગ્યે બન્યો હતો. બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ પ્રવાસીઓ જખમી થયા હતા. ૮માંથી ૩ ડબા ઊંધા વળી ગયા હતા અને એમાંના પ્રવાસીઓની આંખ સામે યમરાજ દેખાઈ ગયા હોવાનો અનુભવ તેમણે કર્યો હતો. 

રાજસ્થાનના પાલી નજીક ગઈ કાલે સૂર્યનગરી એક્સપ્રેસ-પૅસેન્જર ટ્રેનના ૮ ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. આ ઘટના સવારે ૩.૨૭ વાગ્યે બની હતી જ્યારે ટ્રેન જોધપુર જઈ રહી હતી. વેસ્ટર્ન રેલવેની માહિતી પ્રમાણે આ બનાવમાં કેટલાક પ્રવાસીઓને સામાન્ય ઈજા થઈ હતી અને તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા. ફસાઈ ગયેલા પ્રસાસીઓ માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. બનાવ બાદ ટૂંક સમયમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એ ઉપરાંત મુંબઈ, જયપુર, જોધપુરમાં હેડક્વૉર્ટરમાં કન્ટ્રોલરૂમ અને હેલ્પ ડેસ્ક દ્વારા મદદ પૂરી પાડવામાં આવી હતી. અકસ્માત બાદ ટેક્નિકલ તપાસ કરીને અન્ય કોચ સાથે રેલવેએ ટ્રેનને જોધપુર માટે રવાના કરી હતી. 

આંખ સામે યમરાજ આવી ગયા
સુરત રહેતા અને કામકાજ માટે મુંબઈ-જોધપુર અવરજવર કરતા યુવરાજ ગાંધી (વિરલ)એ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘રવિવારે ગિરિરાજ અને સમેતશિખર તીર્થ બચાવવા માટે મહારૅલી યોજાઈ હતી એમાં હું પણ જોડાયો હતો. બપોરે દોઢ વાગ્યે રૅલીની પૂર્ણાહુતિ થઈ હતી. એ પછી ૪.૪૦ વાગ્યે સુરતથી સૂર્યનગરી એક્સપ્રેસ પકડી હતી. જોધપુરમાં બિઝનેસ ટ્રિઈપ હોવાથી હું ત્યાં જઈ રહ્યો હતો. હું એસ-ફાઇવમાં હતો. રાતે બધા સૂતા હતા ત્યારે મારવાડ જંક્શન ગયા પછી અચાનક કોચ વાઇબ્રેટ થયો અને પલટવા માંડ્યો, પણ શું થઈ રહ્યું હતું એ સમજાતું નહોતું. બધા ભરઊંઘમાં હોવાથી શું કરીએ એની ખબર પડતી નહોતી. અમે સામાન સાથે ફેંકાઈ ગયા હતા. જ્યાં બનાવ બન્યો હતો ત્યાં રેલવે-ટ્રૅક પર અંધારું હોવાથી ખૂબ મુશ્કેલી પડી રહી હતી. કુલ ૮ કોચમાંથી બી-૪, એસ-૧, એસ-૨, એસ-૬, એસ-૭ ટ્રૅક પર ઊતરી ગયા અને એસ-૩, એસ-૪, એસ-૫ નંબરના ત્રણ કોચ ઊંધા વળી ગયા હતા. એસ-૫માં હું પ્રવાસ કરી રહ્યો હતો. કોચ પલટી થતાં પ્રવાસીઓ એકમેક પર પડવા માંડ્યા હતા; જેને કારણે અમુકને માથા, પગ, કમર અને મોઢા પર માર વાગ્યો હતો. મારી સાથે અનેક પ્રવાસીઓ કોચની અંદર અટવાઈ ગયા હતા. બહાર નીકળવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ પગ અટવાઈ જતાં એ શક્ય નહોતું બન્યું. એક સમયે તો મારી આંખ સામે યમરાજ આવી ગયા હતા.’

પ્રવાસીઓએ માનવતા દેખાડી
‘પહેલો સગો પાડોશી’ એ કહેવતનો અનુભવ પણ મેં કર્યો હતો એમ કહેતાં યુવરાજ ગાંધી કહે છે કે ‘જે ડબા ટ્રૅક પરથી ઊતરી ગયા હતા એમાંના પ્રવાસીઓ જેમ-તેમ કરીને બહાર નીકળ્યા બાદ ઊંધા વળી ગયેલા ડબાના પ્રવાસીઓની મદદે તરત પહોંચ્યા હતા. એ પ્રવાસીઓ ખેંચી-ખેંચીને અમને બહાર કાઢવાના પ્રયત્ન કરી રહ્યા હતા. હું તો અંદરની બાજુએ અટવાઈ જતાં બહાર નીકળી શકીશ કે નહીં એની અવઢવમાં હતો. મને બહાર નીકળતાં અડધો કલાક લાગ્યો હતો. એ દરમ્યાન મારા પર લોખંડનો હિસ્સો પડશે એવો ભય મને સતાવી રહ્યો હતો. પગ અટવાઈ ગયો હોવાથી મેં પગ પકડી રાખીને ખેંચ્યો અને અન્ય પ્રવાસી મને બહારથી ખેંચી રહ્યા હતા. એક પળ માટે તો એમ થયું કે હવે બહાર નહીં આવી શકીશ. ગિરિરાજ, આદિનાથદાદાનું નામ લીધું કે તરત બહાર આવી ગયો. ઉંમરલાયક લોકોને બહાર નીકળતાં ખૂબ સમય લાગી રહ્યો હતો.’

રેલવેએ ભારે સર્તકતા દેખાડી
વધુમાં તેમણે જણાવ્યું કે ‘અંધારાને લીધે કાંઈ દેખાતું ન હોવાથી મોબાઇલની ટૉર્ચના આધારે અન્ય પ્રવાસીઓ બધાને મદદ કરતા હતા. રેલવેના કર્મચારીઓ પણ થોડા સમયમાં બચાવકાર્ય માટે પહોંચી ગયા હતા. એક ઉંમરલાયક મહિલા ભારે વજનનાં હોવાથી બહાર નીકળી શકતાં નહોતાં એટલે રેલવેના કર્મચારીઓએ ટ્રેનનો એ તરફનો ભાગ કાપીને મહિલાને બહાર કાઢી હતી. હું અને અન્ય પ્રવાસીઓને માર વાગ્યો હોવા છતાં અમે બધાનો સામાન ખેંચી-ખેંચીને બહાર કાઢતા હતા. પર્સ કે મોબાઇલ જેનાં મળે તેને પૂછી-પૂછીને આપી દેતા હતા. જેટલો થાય એટલો સામાન પ્રવાસીઓને આપતા હતા. એ પછી રેલવેએ અમને કહ્યું કે જેનાથી શક્ય હોય તેઓ ચાલીને થોડા આગળ જાય તો બી-૪ પછીના ડબા સાથે ટ્રેન આગળ લઈ જવાશે. દુર્ઘટના બની એ જગ્યાએ સીધી ઍમ્બ્યુલન્સ કે બસ આવવી શક્ય નહોતી છતાં રેલવેએ જોધપુર સુધીની બસની વ્યવસ્થા કરી હતી. મેડિકલ સુવિધા માટે ટ્રેનની અંદર આવીને ટીસીએ પૂછપરછ કરી હતી. રેલવેએ ચા-બિસ્કિટથી લઈને અનેક પ્રકારની વ્યવસ્થા મોડી રાતે પણ ઉપસ્થિત કરી હતી. આદિનાથદાદાની રૅલીમાં જોડાઈને હું અહીં આવ્યો એટલે બચી ગયો છું. એટલી મોટી દુર્ઘટના બની છતાં પ્રવાસીઓ જખમી થયા, પણ દાદાની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નહોતી.’ 

mumbai mumbai news bandra jodhpur rajasthan western railway preeti khuman-thakur