26 December, 2022 08:22 AM IST | Mumbai | Bakulesh Trivedi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
કોરોનાના વધતા જતા કેસને જોતાં જ્યાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક સ્થળોએ અને ભીડભાડવાળાં સ્થળોએ માસ્ક પહેરવો હિતાવહ છે અને એ પહેરવા લોકોને અનુરોધ કરાયો છે ત્યારે મહારાષ્ટ્રનાં મોટા ભાગનાં મોટાં મંદિરોમાં દર્શન માટે આવતા ભક્તો માટે માસ્ક ફરજિયાત પહેરાવાનો નિયમ લાગુ કરાયો છે. જોકે મુંબઈમા હજી સિદ્ધિવિનાયક મંદિર, મહાલક્ષ્મી મંદિર કે પછી મુંબાદેવી મંદિરમાં માસ્ક ફરજિયાત પહેરવાનો નિયમ લાગુ કરાયો નથી. એ જ પ્રમાણે મુંબઈના જૈન દેરાસરો અને હવેલીઓમાં પણ માસ્ક બાબતે હજી કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.
મહારાષ્ટ્રનાં મોટાં મંદિરોમાં ગણના પામતા પંઢરપુરના વિઠ્ઠલ મંદિરમાં પૂજારીઓ અને કર્મચારીઓ માટે માસ્ક ફરજિયાત કરાયો છે અને ભક્તોને એ પહેરવા આવાહન કરાયું છે, જ્યારે ત્ર્યંમ્બકેશ્વર મંદિરમાં ભક્તોએ માસ્ક પહેરવો ફરજિયાત છે. શિર્ડી સાંઈબાબા મંદિર અને શનિ શિંગણાપુરના મંદિરમાં, અક્કલ કોટ સ્વામી સમર્થ મંદિરમાં ભક્તોએ માસ્ક પહેરવો ફરજિયાત છે. નાશિકના સપ્તશૃંગી મંદિરમાં સ્ટ્રિકલી નો માસ્ક નો એન્ટ્રીનો નિયમ લાગુ કરી દેવાયો છે. તુળજાપુરમાં ભવાની માતાના મંદિરમાં પૂજારી અને કર્મચારીઓ માટે માસ્ક ફરજિયાત અને લોકોને, ભક્તોને પણ એ માટે આવાહન કરાયું છે, પણ અનેક લોકો માસ્ક વગર જ આવતા હોવાનું જણાઈ આવ્યું છે. દેહુના મુખ્ય મંદિરમા માસ્ક પહેરી કોરોનાના નિયમોનું પાલન કરવા ભક્તોને કહેવાયું છે. કોલ્હાપુરના અંબામાતાના મંદિરમાં પણ પૂજારીઓ માસ્ક પહેરીને જ મંદિર આવી રહ્યા છે.
જ્યારે આ સામે મુંબઈનાં મંદિરોએ ભક્તોએ ફરજિયાત માસ્ક પહેરવા બાબત નિર્ણય લીધો નથી. સાવચેતીની દૃષ્ટિએ મહાલક્ષ્મી મંદિરની બહાર બોર્ડ મુકાયું છે કે માસ્ક પહેરવો જરૂરી છે. જોકે મહાલક્ષ્મી મંદિરના ઑફિસ કર્મચારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે બોર્ડ લગાવ્યા છતાં અનેક લોકો વગર માસ્કે દર્શન કરવા આવી રહ્યા છે. જોકે અમે હજી સુધી કોઈને રોક્યા નથી, જ્યારે પ્રભાદેવીના સિદ્ધિ વિનાયક મંદિરના પદાધિકારીએ કહ્યું હતું કે હજુ સુધી આ બાબતે અમને કોઈ ઇન્સ્ટ્રક્શન્સ મળી ન હોવાથી અમે કોઈ નિયમ લાગુ કર્યો નથી. મુમ્બાદેવી મંદિરમાં પણ હજી ભક્તો માટે માસ્ક ફરજિયાત કરાયો નથી.
ભાયખલાના મોતી શાહ જૈન દેરાસરના ટ્રસ્ટી ઘેવરચંદ જૈને કહ્યું હતું કે અમને હજી સુધી આ સંદર્ભે સરકારનો કોઈ સરક્યુલર મળ્યો નથી એથી અમે કોઈ નિયમ લાગુ કર્યો નથી. આજ પરિસ્થિતિ મુંબઈનાં અન્ય જૈન મંદિરોની હોવાનું કહેવામાં આવ્યું હતું.