કોઈ પણ સ્વાર્થ વગર માત્ર એક માતા જ પ્રેમ કરી શકે

27 February, 2024 07:51 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આ વાત તાજેતરમાં એેક માતાએ પુરવાર કરી બતાવી છે : મુંબઈમાં થયેલા લિવર ટ્રાન્સપ્લાન્ટમાં સુરતની માતાએ પોતાના ૧૨ વર્ષના દીકરાને લિવરનો એક ભાગ ડોનેટ કર્યો : ગ્લોબલ હૉસ્પિટલના ડૉક્ટરો અને તેમની ટીમે સતત ૧૨ કલાકની જટિલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી

મુંબઈની હૉસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને મમ્મીએ દીકરાને નવજીવન આપ્યું હતું.

માતા હંમેશાં પોતાના બાળકને જીવથી પણ વધારે પ્રેમ કરતી હોય છે એવું પુરવાર કરી દેખાડ્યું છે સુરતની એક માતાએ લાઇફ-સેવિંગ ટ્રાન્સપ્લાન્ટમાં. તેણે પોતાના ૧૨ વર્ષના દીકરાને પોતાના લિવરનો એક ભાગ ડોનેટ કરીને તેને નવજીવન આપ્યું છે. સુરતના આ બાળકને તીવ્ર લિવર ફેલ્યર હોવાનું નિદાન થયા બાદ લિવર ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર તેના બચવાનો વિકલ્પ હતો. એથી નિષ્ણાત ડૉક્ટરની દેખરેખ હેઠળ મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલમાં સમયસર કરવામાં આવેલા ટ્રાન્સપ્લાન્ટથી તેનો જીવ બચવાની સાથે હવે તે ફરી સ્કૂલ જવાની તૈયારી કરી રહ્યો છે.

સુરતની એક માતાએ તેના ૧૨ વર્ષના દીકરાને તેના લિવરનો એક ભાગ દાનમાં આપ્યો જે ગંભીર રીતે ઍક્યુટ લિવર ફેલ્યરથી પીડાતો હતો. આ બાળકને નવજીવન આપવા ડૉ. લલિત વર્મા, ડો. ગૌરવ ચૌબલ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ ટીમે સતત ૧૨ કલાકની જટિલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરી હતી. હવે બાળકને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે પહેલાંની જેમ સ્કૂલમાં જવાની તૈયારી કરી રહ્યો હોવાથી આનંદમાં પણ છે.

૧૨ વર્ષના દિવ્યમ પટેલની તબિયત સારી હતી, પરંતુ અચાનક તેને ખૂબ જ તાવ આવવાની સાથે ઊલટીઓ થવા લાગી હતી. તેને સુરતમાં પ્રાથમિક સારવાર અને ઍન્ટિ-બાયોટિક્સ સાથે સારવાર મળી હતી. જોકે પાંચ દિવસ બાદ તેની તબિયત વધુ લથડી હતી અને તેનો સ્વભાવ પણ બદલાવા લાગ્યો હતો. એથી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં અસાધારણ લિવર ફંક્શન ટેસ્ટ દ્વારા સમજાયું કે ​લિવરની નિષ્ફળતાને લીધે તેને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી છે. એથી વધુ સારવાર માટે બાળકને મુંબઈના પરેલમાં આવેલી ગ્લોબલ હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ગ્લોબલ હૉસ્પિટલના પીડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. લલિત વર્માએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વેન્ટિલેટર સપોર્ટની સતત જરૂરિયાત અને આંતરિક રક્તસ્રાવના જોખમને કારણે તાત્કલિક ધોરણે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેને હેપેટાઇટિસ ‘એ’ વાઇરસની ગંભીરતાથી તીવ્ર લીવરની નિષ્ફળતા થઈ હતી. આશરે ૯૯ ટકા દરદીઓ જેમને હેપેટાઇટિસ ‘એ’નો ચેપ હોય છે તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા વગર સાજા થઈ જાય છે. જોકે ૦.૫થી એક ટકા દરદીઓને આઇસીયુ સંભાળની જરૂર પડી શકે છે અને કેટલાકને ​લિવરની કાર્યક્ષમતા (કમળો, રક્તસ્રાવ, મ​લ્ટિ-ઑર્ગન ફેલ્યર) બગડતાં લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે. ટ્રાન્સપ્લાન્ટની તાત્કાલિક જરૂર હોવાથી સમાન બ્લડગ્રુપ ધરાવતી તેની માતા તેના લિવરનો એક ભાગ દાન કરવા આગળ આવી હતી. એથી જરૂરી ટેસ્ટ રેકૉર્ડ સમયમાં કરવામાં આવી હતી.’

આ કેસ વિશે માહિતી આપતાં ડૉ. ગૌરવ ચૌબલે જણાવ્યું હતું કે ‘લિવર, સ્વાદુપિંડ, આંતરડાં ટ્રાન્સપ્લાન્ટ અને એચપીબી સર્જરી માટે ૧૨ કલાકની સર્જરી કરવા માટે એક ટીમે નેતૃત્વ કર્યું હતું અને સર્જરીના ૧૨ દિવસ પછી રજા મળી હતી. દિવ્યમે ચમત્કારિક રીતે સારવારનો પ્રતિસાદ આપ્યો અને સર્જરી પછીના ૧૨ દિવસમાં સ્વસ્થ થઈ ગયો હતો. તેની ભૂખ અને એકંદર પ્રવૃત્તિમાં નોંધપાત્ર સુધારો થયો છે.’

દિવ્યમની માતા મૃણાલિની પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક માતા તરીકે મારા દીકરાના ​લિવરની નિષ્ફળતા સાથેના સંઘર્ષને જોવો એ હૃદયદ્રાવક હતું. તેને ગુમાવવાનો ડર મને ત્યાં સુધી ઉઠાવી ગયો જ્યાં સુધી ગ્લોબલ હૉસ્પિટલમાં પગ મૂક્યો નહોતો. જીવન બચાવનાર લિવર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા અમને આશા મળી. ડૉક્ટરોની ટીમે કરેલી મહેનતના પરિણામસ્વરૂપે અમારા દીકરાને નવજીવન મળ્યું છે. ટ્રાન્સપ્લાન્ટ બાદ મારા દીકરામાં પરિવર્તન આવતાં એ અમારા માટે ચમત્કારથી ઓછું નથી. તે હવે સારી રીતે ખાઈ શકે છે અને તેણે તેની દિનચર્યા ફરી શરૂ કરી છે. તે ટૂંક સમયમાં તેના મિત્રોને મળશે, કારણ કે તે થોડા દિવસોમાં સ્કૂલમાં જોડાવા માગે છે.’

દિવ્યમના પિતા કિશોર પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પરિસ્થિ​તિમાંથી અમે કેવી રીતે પસાર થયા એ અમારું મન જ સમજે છે. અમારા દીકરા સાથે થયેલી આ ઘટના બાદ અમે અંગદાનના મહત્ત્વને સમજ્યા છીએ અને આ ગંભીર મુદ્દા વિશે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીશું.’

mumbai news mumbai surat gujarati community news