સુરત અને મુંબઈના વેપારીઓ એકસાથે કામકાજ શરૂ કરે એ માટે જૂનમાં રી-લૉન્ચ કરવામાં આવશે સુરત ડાયમન્ડ બુર્સને

30 March, 2024 08:49 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

સુરતના જ જે વેપારીઓએ એમાં ઑફિસો લખાવી છે તેમને પણ એ હાલ દૂર પડી રહ્યું છે

સુરત ડાયમન્ડ બુર્સ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જેનું ઉદ્ઘાટન થયું હતું અને વિશ્વના સૌથી મોટા ઑફિસ-બિ​લ્ડિંગ તરીકે નામના પામેલું સુરત ડાયમન્ડ બુર્સ (SBD)નું મકાન તો બની ગયું, પણ હાલ એ એક કરતાં વધુ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે એને ધમધમતું કરવા સુરત ડાયમન્ડ બુર્સ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. જૂન મહિનામાં સુરત અને મુંબઈના વેપારીઓ એકસાથે તેમના વેપારધંધા શરૂ કરે એ માટે એને રી-લૉન્ચ કરવામાં આવશે.

સુરતીઓને દૂર લાગે છે

દેશવિદેશના ગ્રાહકો સુરત આવે અને હીરાની ખરીદી-વેચાણ કરે એ આશયથી ઇન્ટરનૅશનલ લેવલની ફૅસિલિટી ધરાવતું સુરત ડાયમન્ડ બુર્સ સુરતના ખજોદ વિસ્તારમાં ઊભુ કરવામાં આવ્યું છે, પણ મૂળ વાત એ છે કે સુરતના જ જે વેપારીઓએ એમાં ઑફિસો લખાવી છે તેમને પણ એ હાલ દૂર પડી રહ્યું છે. સુરતમાં વર્ષોથી મહિધરપુરા અને વરાછાની ​મિની બજાર ડાયમન્ડ ટ્રે​ડિંગની જાણીતી માર્કેટો રહી છે જ્યાં નાના-મોટા વેપારીઓ અને દલાલભાઈઓએ તેમનો વ્યવહાર કરતા હોય છે. આ ઉપરાંત મોટાં-મોટાં ડાયમન્ડ હાઉસો એમનું પોતાનું ઑફિસ-બિ​લ્ડિંગ ધરાવે છે અને હજારો માણસો તેમને ત્યાં રોજ મૅન્યુફૅક્ચરિંગ (હીરાની ઘંટીઓ પર)નું કામ કરે છે, જ્યારે સેંકડો માણસો અસોર્ટિંગ અને અન્ય કામકાજ સાથે સંકળાયેલા છે. તેમને ગામથી દૂર ખજોદમાં આવેલું સુરત ડાયમન્ડ બુર્સ લાંબું પડે છે. અનેક લોકોએ બુર્સમાં ઑફિસ બુક કરાવી છે પણ કામકાજ ચાલુ નથી કર્યું. બીજું, ઇન્ટરનૅશનલ ફ્લાઇટો ઓછી હોવાથી વિદેશી બાયર્સ ડાયરેક્ટ સુરત ઓછા આવે છે. ત્રીજું, તેમના રહેવા માટે ફાઇવસ્ટાર હોટેલની કમી અને ગુજરાતની દારૂબંધી તેમને નડે છે.

નાના વેપારીઓમાં ફફડાટ

આ સિવાય બુર્સ ચાલુ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર કિરણ જેમ્સના વડા વલ્લભ લાખાણીએ પહેલાં મુંબઈની ઑફિસ બંધ કરીને સુરતમાં ઑપરેશન ચાલુ કર્યું હતું, પણ બુર્સમાં જોઈએ એવો વેપાર ન થવાથી થોડા જ વખતમાં આર્થિક નુકસાની ભોગવવા કરતાં ફરી એક વખત મુંબઈમાં ઑપરેશન ચાલુ કરી દીધું હતું. આમ તેમના જેવી માર્કેટની મુખ્ય પાર્ટીએ જ યુ-ટર્ન લેતાં અન્ય નાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અધૂરામાં પૂરું, વલ્લભભાઈએ તેઓ પૂરતો સમય આપી શકે એમ નથી એમ કહીને બુર્સના ચૅરમૅનપદેથી રાજીનામું આપી દેતાં બુર્સ ચાલુ થશે કે નહીં એવી શંકા લોકો કરવા માંડ્યા હતા. બુર્સ તૈયાર કરનારી અમદાવાદની PSP પ્રોજેક્ટ્સ લિમિટેડે પણ બુર્સ પાસે ૫૦૦ કરોડ રૂ​પિયા કરતાં વધુની રકમ લેણી નીકળતી હોવાનું કહીને કોર્ટમાં કેસ કર્યો છે અને એમાં પણ કોર્ટે ૧૨૫ કરોડ રૂ​પિયા તો એક મહિનામાં જ જમા કરાવવાનું કહ્યું હોવાથી એ પણ લટકતી તલવાર છે જ. આમ બુર્સને ચાલુ કરીને ધમધમતું કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું થઈ પડ્યું છે ત્યારે સુરત ડાયમન્ડ બુર્સની કમિટીએ હવે એને રેગ્યુલર ચાલુ કરવાના પ્રયાસ હાથ ધર્યા છે અને એને જૂનમાં રી-લૉન્ચ કરવાનું નક્કી થયું છે.

સંગઠનથી સફળતા મળશે

સુરત ડાયમન્ડ બુર્સની સર્વિસ સોસાયટીના પદે પણ ફેરફાર થયા છે અને ધાનેરા ડાયમન્ડના અરિવંદ શાહને એના પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા છે ત્યારે હવે બુર્સને કઈ રીતે આગળ વધારવામાં આવશે એ બાબતે બુર્સના પ્રવક્તા ધર્માનંદન ડાયમન્ડના લાલજી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરત-મહિધરપુરાના ૨૫૦ અને મિની બજારના ૧૦૦ વેપારીઓ છે, જ્યારે મુંબઈના પણ ૨૫૦થી ૩૦૦ વેપારીઓ છે જેઓ જૂનમાં તેમનો ધંધો સુરત ડાયમન્ડ બુર્સથી ચાલુ કરવાનું વિચારી રહ્યા છે. એ બધા એકસાથે ધંધો શરૂ કરે એ જરૂરી છે. એકાદ-બે ગણ્યા-ગાંઠ્યા વેપારીઓથી માર્કેટ જોર નહીં પકડે. એવું નથી કે હાલ SDBમાં ઑફિસો ખૂલી નથી. દિવાળી પછી વીસથી પચીસ ઑફિસોનાં મુરત થયાં અને એ આજે પણ ચાલે જ છે. મૂળમાં ખરીદદાર અને વેચાણ કરનાર બન્ને પક્ષના વેપારીઓ એકસાથે ધંધો ચાલુ કરે તો બુર્સ રેગ્યુલર શરૂ થાય. ટેન્ટેટિવ ૧૫ જૂન નક્કી કરી છે. સોમવારે અમે મહિધરપુરાના વેપારીઓ સાથે મીટિંગ રાખી છે. તેમનું પણ કહેવું છે કે હાલ છોકરાઓને વેકેશન હોવાથી જૂન જ અનુકૂળ રહેશે. જોકે કઈ તારીખ ફાઇનલ કરીએ છીએ એની જાણ આવતા અઠવા​​ડિયે કરીશું. મુંબઈથી જે વેપારીઓ અહીં શિફ્ટ થવા માગે છે તેમને પણ તેમનાં બાળકોનાં ઍડ્​મિશન અને સ્કૂલની ગોઠવણ કરવાનું જૂનમાં વધુ ફાવે એમ છે. ગણ્યાગાંઠ્યા વેપારીઓથી કંઈ નહીં થાય, સંગઠનથી થશે.’

mumbai news mumbai surat diamond burse surat