03 June, 2024 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજયી થવા માટે અભિનંદન આપતાં બૅનર
મહારાષ્ટ્રની બારામતી લોકસભાની બેઠક પર પહેલી વખત પવાર પરિવાર સામસામે ચૂંટણી લડતાં દેશની સૌથી હૉટ બની ગયેલી આ બેઠક પર એક્ઝિટ પોલના અંદાજ મુજબ કાંટાની ટક્કર હોવાનું જણાઈ આવ્યું છે. આથી ૪ જૂને અહીંથી કોણ વિજયી થશે એનો ખ્યાલ આવી જશે, પણ સુપ્રિયા સુળે અને સુનેત્રા પવારના સમર્થકોએ તો લોકસભા બેઠકમાં આવતા ઇન્દાપુરમાં ગઈ કાલે ચૂંટણીમાં વિજયી થવા માટે અભિનંદન આપતાં બૅનર લગાવી દીધાં હતાં. ચૂંટણી વખતે મત મેળવવા માટે શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથે અહીં પૂરી તાકાત લગાવી દીધી હતી એવી જ રીતે તેમના સમર્થકોએ ચૂંટણી બાદ બૅનર લગાવી દેવાથી એ ચર્ચાનો વિષય બન્યો છે.
નણંદ સુપ્રિયા સુળે અને ભાભી સુનેત્રા પવારની ઉમેદવારની જાહેરાત થયા બાદથી જ બારામતી લોકસભા બેઠક સૌથી હૉટ બની ગઈ હતી. દાયકાઓથી શરદ પવારની અહીં મજબૂત પકડ છે, જેને તેમના જ ભત્રીજા અજિત પવારે પડકારી હતી. બન્ને જૂથે પોતાની તરફેણમાં મતદાન થયું હોવાનો દાવો કર્યો છે. કેટલાક એક્ઝિટ પોલમાં સુપ્રિયા સુળેનો હાથ ઉપર હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જોકે મોટા ભાગના લોકોનું માનવું છે કે અહીં કાંટાની ટક્કર છે એટલે કંઈ પણ થઈ શકે છે.