11 June, 2023 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવાર, સુપ્રિયા સુળે અને અજીત પવાર
મુંબઈ : એક મહિના પહેલાં રાજીનામું જાહેર કરીને રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવી દેનારા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે ગઈ કાલે પાર્ટીના સ્થાપનાદિને મહત્ત્વની જાહેરાત કરીને પાર્ટીનાં વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે તેમનાં પુત્રી અને સંસદસભ્ય સુપ્રિયા સુળે અને તેમના જૂના અને વિશ્વાસુ સાથીદાર અને સંસદસભ્ય પ્રફ્ફુલ પટેલની વરણી કરાઈ હોવાની જાહેરાત કરી હતી.
સુપ્રિયા સુળે અને પ્રફુલ્લ પટેલ બંનેને અલગ-અલગ જવાબદારી સોંપાઈ છે. સુપ્રિયા સુળેને મહારાષ્ટ્રની સાથે પંજાબ અને હરિયાણા ઉપરાંત મહિલા, યુથ ઍન્ડ સ્ટુડન્ટ્સના ઑર્ગેનાઇઝેશન અને લોકસભાની ચૂંટણી સંદર્ભેની જવાબદારી અપાઈ છે. બીજી બાજુ પ્રફુલ્લ પટેલને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગોવાની જવાબદારી સોંપાઈ છે.
શરદ પવારના ભત્રીજા અને વિધાનસભા અને વિધાનપરિષદમાં વિરોધ પક્ષના વડાનું સ્થાન ધરાવતા અજિત પવારે આ પહેલાં કહ્યું હતું તેમને પક્ષમાં કોઈ ઊંચું પદ નથી જોઈતું અને તેઓ તેમની વિધાનસભ્ય તરીકેની જવાબદારીઓ પર ધ્યાન આપશે.
ગયા મહિને જ એનસીપીમાં કંઈક મોટી ઊથલપાથલ થવાની શક્યતાઓ જણાઈ રહી હતી, જ્યારે શરદ પવારે કહ્યું હતું કે તેઓ હવે વધતી ઉંમરના કારણે પક્ષના પ્રમુખપદેથી નિવૃત્ત થવા માગે છે. જોકે એ પછી પાર્ટીના કાર્યકરો અને અન્ય નેતાઓ દ્વારા ત્રણ દિવસ સુધી અનેક દેખાવો કરી, વિરોધ કરીને તેમને જ પક્ષપ્રમુખ તરીકે રહેવાનો આગ્રહ કરવામાં આવતાં તેમણે રાજીનામું નહોતું આપ્યું અને કાર્યકરોની અને નેતાઓની વિનંતીને માન આપીને પક્ષપ્રમુખ તરીકે ચાલુ રહેશે એમ જણાવ્યું હતું. જોકે એ જ વખતે તેમણે એવી જાહેરાત કરી હતી કે વર્કિંગ પ્રેસિડન્ટની નિમણૂક કરવામાં આવશે અને એ વખતે પણ સુપ્રિયા સુળે જ એ પદ માટે સૌથી આગળ હોવાનું મનાતું હતું.
એવું કહેવાઈ રહ્યું છે કે સુપ્રિયા સુળેને પક્ષની ધુરા સાથે જ રાજ્યની જવાબદારી સોંપીને શરદ પવારે ભત્રીજા અજિત પવારની પાંખો કાપી નાખી છે. જોકે અજિત પવારે આ જાહેરાતને વધાવી લીધી હતી અને કહ્યું હતું કે પક્ષ હવે શરદ પવાર અને અન્ય પ્રેસિડન્ટની નેતાગીરી હેઠળ વધુ સારી કામગીરી કરી શકશે.
પવાર પરિવાર પાવરને લઈને હંમેશાં રાજકારણમાં ચર્ચાસ્પદ રહ્યો છે. આજ સુધી અજિત પવારને રાજ્યના રાજકારણની અને સુપ્રિયા સુળેને દિલ્હીના રાજકારણની જવાબદારી અપાઈ હતી. જોકે શરદ પવારે કહ્યું હતું કે અજિત પવારને કોઈ નવું પદ એટલા માટે નથી સોંપાયું કે પાર્ટી ‘એક વ્યક્તિ, એક પદ’ની પૉલિસીને અનુસરે છે અને તેઓ ઑલરેડી રાજ્ય વિધાનસભમાં છે.