નવાબ મલિકને નાદુરુસ્ત તબિયતને કારણે સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન

12 August, 2023 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે હાઈ કોર્ટે તેમની એ અરજી એમ કહીને ફગાવી દીધી હતી કે તેમને સ્પેશ્યલ મેડિકલ સર્વિસિસ આપવામાં આવે છે અને તેઓ એવી કોઈ ગંભીર બીમારીથી પીડાતા પણ નથી. 

નવાબ મલિક


મુંબઈ : મની લૉન્ડરિંગ અને દેશના મોસ્ટ વૉન્ટેડ માફિયા ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે સંપર્ક રાખવાના આરોપસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૨માં પકડાયેલા રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા નવાબ મલિકને આખરે ૧૮ મહિને જામીન મળ્યા છે. તબિયત સારી રહેતી ન હોવાથી ઇલાજ કરવા તેમણે જામીનઅરજી કરી હતી જે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી અને બે મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે આ જામીન તેમને મેરિટના આધારે નહીં પણ માત્ર કથળતી જતી તબિયતને કારણે જ આપવામાં આવ્યા છે. 
નવાબ મલિકે આ પહેલાં બૉમ્બે હાઈ કોર્ટમાં જામીનઅરજી કરી હતી. જોકે હાઈ કોર્ટે તેમની એ અરજી એમ કહીને ફગાવી દીધી હતી કે તેમને સ્પેશ્યલ મેડિકલ સર્વિસિસ આપવામાં આવે છે અને તેઓ એવી કોઈ ગંભીર બીમારીથી પીડાતા પણ નથી. 
નવાબ મલિકના વકીલો દ્વારા કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા પાંચ મહિનાથી તેમની તબિયત કથળી રહી છે અને તેઓ કિડનીની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે એટલે સારવાર કરાવવા માટે તેમના જામીન મંજૂર કરાય. 

mumbai news nawab malik supreme court