02 April, 2025 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર અલાહાબાદિયા
‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં અશ્લીલ ટિપ્પણી કરનારા જાણીતા યુટ્યુબર અને પૉડકાસ્ટર રણવીર અલાહાબાદિયાએ પોતાનો પાસપોર્ટ રિલીઝ કરવાની સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી ગઈ કાલે સુનાવણી દરમ્યાન માન્ય રાખવામાં નહોતી આવી. કોર્ટે રણવીરને જ્યાં સુધી પોલીસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું હતું.
રણવીર અલાહાબાદિયાએ પોતાનો પાસપોર્ટ પાછો મેળવવા માટે કોર્ટમાં અન્ડરટેકિંગ આપ્યું હતું કે હવે પછી એ પોતાના શોમાં ‘ડીસન્સી’ રાખશે. એની સાથે રણવીરના વકીલ અભિનવ ચંદ્રચૂડે કોર્ટને કહ્યું હતું કે પાસપોર્ટ ન હોવાથી તે વિદેશમાં શો માટે નથી જઈ શકતો અને એની અસર તેની આજીવિકા પર પડી રહી છે. જોકે કોર્ટે કહ્યું હતું કે આ તબક્કે રણવીરને પાસપોર્ટ આપીને વિદેશમાં પ્રવાસ કરવા દેવાથી પોલીસની તપાસમાં મોડું થશે. ત્યાર બાદ ન્યાયમૂર્તિએ આ કેસમાં મહારાષ્ટ્ર અને આસામ સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાનો અભિપ્રાય માગ્યો હતો. તેમણે કોર્ટને કહ્યું હતું કે પોલીસની તપાસ બે અઠવાડિયાંમાં પૂરી થઈ જવાની શક્યતા છે. એ સાંભળીને કોર્ટે કહ્યું હતું કે તો પછી અમે પાસપોર્ટ રિલીઝ કરવાની અરજી ત્યાર બાદ જ સાંભળીશું.
દરમ્યાન સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી રણવીર અલાહાબાદિયાને ધરપકડથી બચવા માટે જે પ્રોટેક્શન આપ્યું હતું એ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.
હજી ગયા અઠવાડિયે જ રણવીરે પોતાનો ‘ધ રણવીર શો’ પાછો શરૂ કર્યો હતો ત્યારે તેણે એક વિડિયો-સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું કે હવે હું આ પ્લૅટફૉર્મનો ઉપયોગ વધારે જવાબદારીપૂર્વક કરીશ.