14 June, 2024 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનેત્રા પવારે ગઈ કાલે રાજ્યસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી
શરદ પવારના ગઢ બારામતીમાં નણંદ સુપ્રિયા સામે લોકસભાની ચૂંટણીમાં પરાજિત થનારાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારે ગઈ કાલે મુંબઈના વિધાનભવનમાં રાજ્યસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે રાજ્યસભામાં પાર્થ પવાર, સુનેત્રા પવાર કે છગન ભુજબળ એમાંથી કોણ જશે એવી ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. ઉમેદવારી નોંધાવતી વખતે સુનેત્રા પવાર સાથે પક્ષના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરે, વરિષ્ઠ નેતા છગન ભુજબળ, વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ ઝિરવળ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બુધવારે અજિત પવારના મુંબઈના નિવાસસ્થાને પક્ષના નેતાઓની બેઠક મળી હતી, જેમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે સુનેત્રા પવારની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.
છગન ભુજબળે ગઈ કાલે કહ્યું હતું કે ‘પક્ષના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને રાજ્યના કૃષિપ્રધાન ધનંજય મુંડેએ પ્રસ્તાવને સમર્થન કર્યું હતું. હું રાજ્યસભામાં જવા માગતો હતો, પરંતુ પક્ષના વરિષ્ઠોએ નિર્ણય લીધો એ માન્ય રાખવો પડે. સુનેત્રા પવારને રાજ્યસભામાં મોકલવાના નિર્ણયથી હું જરાય નારાજ નથી.’