રેલવેને લીધે રઝળપાટ

06 March, 2023 08:34 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

જૈનોની પવિત્ર યાત્રા કરવા ગયેલા ભક્તોના પાલિતાણાથી મુંબઈ આવતી વખતે થયા હાલ બેહાલ : ચાર મહિના પહેલાં ભાવનગર-બાંદરા સન્ડે હૉલિડે સ્પેશ્યલ ટ્રેનમાં બુકિંગ કરાવેલું; પણ ટ્રેન કૅન્સલ થતાં વધુ પૈસા ચૂકવીને બસ, પ્રાઇવેટ વેહિકલ અને ફ્લાઇટથી આવવું પડ્યું

ચાર મહિના પહેલાં બુક કરાયેલી ટ્રેન કૅન્સલ થવાથી શ્રાવકોએ નાછૂટકે વધુ પૈસા ચૂકવીને બસમાં મુંબઈ આવવું પડ્યું હતું

ફાગણ સુદ તેરસે થતી છ ગાઉની યાત્રા જૈનોની પવિત્ર યાત્રા છે. આ યાત્રાને તહેવારની જેમ મનાવવામાં આવે છે. ગઈ કાલે થયેલી આ યાત્રા માટે મુંબઈ, ગુજરાત, ચેન્નઈ, મહારાષ્ટ્ર એમ ભારતનાં વિવિધ રાજ્યોમાંથી ઓછામાં ઓછા ચારથી પાંચ લાખ ભક્તો પાલિતાણા દર્શન કરવા પહોંચ્યા હતા. આ યાત્રા કરવા શ્રાવકો ચાર મહિના અગાઉ જ રેલવે ટિકિટનું બુકિંગ પણ કરાવી લેતા હોય છે. જોકે આ વખતે હૉલિડે સ્પેશ્યલ ટ્રેન કૅન્સલ કરવામાં આવતાં શ્રાવકોએ પાલિતાણાથી મુંબઈ પાછા આવતી વખતે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. તેમણે ડબલ પૈસા ચૂકવીને બસ, પ્રાઇવેટ વાહન કે પ્લેનથી મુંબઈ આવવું પડ્યું હતું.

વર્ષમાં એક વખત ફાગણ સુદ તેરસે છ ગાઉની યાત્રા થતી હોય છે. પાલિતાણામાં ભાડવાના ડુંગર પર અને ચંદન તલાવડી પર પૂજાવિધિ થતી હોય છે. બોરીવલી, ઘાટકોપર, ગોરેગામ, વસઈ વગેરેથી છ ગાઉ મિત્ર મંડળના ૧૪ જણ પાલિતાણા ગયા હતા. આ વિશે વધુ માહિતી આપતાં આ મંડળના નીલેશ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘છેલ્લાં ૨૮ વર્ષથી અમે આ યાત્રા કરવા જઈએ છીએ. કોઈ પણ પ્રકારનું મહત્ત્વનું કામ હોય એ બાજુએ મૂકીને અમે બધા યાત્રાએ જતા હોઈએ છીએ. આ યાત્રા જૈનોમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે, કારણ કે ફાગણ સુદ તેરસના દિવસે અમારા કરોડો મુનિઓ મોક્ષ પામ્યા હતા. અમારી સાથે મુંબઈથી મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાવા આવ્યા હતા. આ યાત્રામાં અખૂટ શ્રદ્વા હોવાથી અમે ચાર મહિના પહેલાં જ ટિકિટો બુક કરાવી લીધી હતી.’

અમારી શુક્રવારે સવારે ૯.૪૦ વાગ્યાની બોરીવલીથી હૉલિડે સ્પેશ્યલ ટ્રેન હતી એમ જણાવીને નીલેશ શાહે મિડ-ડેને કહ્યું હતું કે ‘એના એક દિવસ પહેલાં જ એટલે ગુરુવારે સાંજે છ-સાડાછ વાગ્યા પહેલાં અમને મેસેજ આવ્યો કે તમારી ટ્રેન-નંબર ૨૨૯૬૪ ભાવનગર-બાંદરા સન્ડે હૉલિડે સ્પેશ્યલ ટ્રેન રદ કરવામાં આવી છે. સવારનો પ્રવાસ અને સાંજે અમને મેસેજ આવ્યો કે પાલિતાણાથી આવતી ટ્રેન રદ કરવામાં આવી છે. શુક્રવારે સવારના ટ્રેન હોવાથી મિત્રો એકબીજાના ઘરે ભેગા પણ થઈ ગયા હતા અને બધી તૈયારીઓ કરી લીધી હતી. આ યાત્રા કરવી અમારા માટે અતિશય મહત્ત્વની હતી. ગઈ કાલે સવારે ત્રણ વાગ્યે યાત્રા કરવા ગયા અને સવારે ૧૧ વાગ્યાથી યાત્રા પૂરી કરીને મુંબઈ કઈ રીતે આવવું એ પ્રશ્ન ઊભો થયો હતો. મુંબઈથી અમે આવ્યા એ જ ટ્રેનમાં ૮૦૦થી ૯૦૦ જણ આ જ યાત્રા કરવા પહોંચ્યા હતા. યાત્રાનું મહત્ત્વ બધાને જાણ હોવાથી બસ દ્વારા આવતાં ૧,૦૦૦થી ૧,૨૦૦ રૂપિયાની જગ્યાએ વ્યક્તિદીઠ ૧,૮૦૦થી ૨,૦૦૦ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. પ્રાઇવેટ વેહિકલ લઈને મુંબઈ આવનારાઓએ વધુ પૈસા આપવા પડ્યા હતા. સોમવારે વર્કિંગ-ડે હોવાથી અમુક લોકો પ્લેનથી આવ્યા હતા. અમુક લોકો તો હજી ત્યાં જ અટવાયેલા છે કારણ કે બસો પણ ફુલ થઈ ગઈ હતી. અમુક લોકો અમદાવાદથી આવી રહ્યા છે, જ્યારે કચ્છી સમાજના અમુક લોકો શનિવારે જ યાત્રા કરીને સગવડ થતાં મુંબઈ માટે નીકળી ગયા હતા. વર્ષમાં આવતી અમારી આ સૌથી મોટી યાત્રા સાથે લોકોની આસ્થા જોડાયેલી હોવા છતાં રેલવેએ મહત્ત્વની ટ્રેન રદ કરી નાખી હતી.’ 

લોકો હેરાન થઈ ગયા
ઘાટકોપરના અમૃતનગરમાં રહેતાં દીપક શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તો ચાર મહિના પહેલાં ટિકિટો બુક કરાવી હતી. શુક્રવારે સવારની ટ્રેન અને રવિવારે તો પાલિતાણાથી નીકળવાનું હતું. ગુરુવારે મોડી સાંજે અમને આવવાની ટ્રેન કૅન્સલ થવાની જાણ થઈ હતી. વધુ પૈસા આપવા તૈયાર હોવા છતાં અનેક લોકોને બસમાં જગ્યા ન હોવાથી આવવા મળતું નહોતું. પ્રાઇવેટ વાહનવાળા ફ્લાઇટથીયે વધુ પૈસા માગી રહ્યા હતા. યાત્રા કરીને થાકી ગયેલા લોકો વાહનો માટે હેરાન થયા હતા અને તેમની સાથેનાં બાળકો અને વૃદ્ધો પણ પરેશાન થઈને કંટાળી ગયાં હતાં. વર્કિંગ-ડે હોવાથી બધાને જલદી ઘરે આવવાની ચિંતા હતી. જો અમને પહેલાં જાણ કરવામાં આ‍વી હોત તો અમે અન્ય વિકલ્પની વ્યવસ્થા કરી હોત.’

રેલવેને શું કહેવું છે?    
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ટ્રેન-ક્રમાંક ૨૨૯૬૪ સહિત અનેક ટ્રેનો ઉધના યાર્ડના રી-મૉડલિંગના કામ માટે રદ કરવામાં આવી છે. પ્રવાસીઓને હેરાનગતિ થઈ છે એ ચોક્કસ છે અને આજે તો બ્લૉક પૂરો પણ થઈ જશે. જોકે આ કામને લઈને ટ્રેનોની પન્ચ્યુઅલિટીમાં વધારો થશે, ટ્રેનોની સંખ્યામાં વધારો થશે, ઉધના સ્ટેશન પર ટ્રેનોના કાર્યક્ષમ સંચાલનમાં સુધારો થશે, સલામતી માટે ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉકિંગ, ઉધના અને સુરત વચ્ચે ત્રીજી લાઇનના બાંધકામ માટે માર્ગ મોકળો થશે જેવા અનેક લાભ થવાના છે.’

mumbai mumbai news bandra indian railways preeti khuman-thakur