Sukhoi Jet Crash: મહારાષ્ટ્રના નાશિકમાં મોટો અકસ્માત, ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ

04 June, 2024 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય વાયુસેનાનું એક સુખોઈ ફાઈટર પ્લેન (Sukhoi Jet Crash) મંગળવારે ક્રેશ થયું હતું. મહારાષ્ટ્રના નાશિકમાં આ અકસ્માત થયો છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર: એઆઈ

ભારતીય વાયુસેનાનું એક સુખોઈ ફાઈટર પ્લેન (Sukhoi Jet Crash) મંગળવારે ક્રેશ થયું હતું. મહારાષ્ટ્રના નાસિકમાં આ અકસ્માત થયો હતો. નાસિક રેન્જના સ્પેશિયલ ઈન્સ્પેક્ટર જનરલ ડી આર કરાલેએ જણાવ્યું કે સુખોઈ Su-30 MKI એરક્રાફ્ટ (Sukhoi Jet Crash)ના પાઈલટ અને કો-પાઈલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. વિમાન શિરગાંવ ગામ પાસે એક ખેતરમાં ક્રેશ થયું હતું.

અધિકારીએ જણાવ્યું કે વિમાન વિંગ કમાન્ડર બોકિલ અને તેમના સેકન્ડ ઇન કમાન્ડ બિસ્વાસ દ્વારા ઉડાડવામાં આવી રહ્યું હતું. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બંને પાઇલટ સુરક્ષિત (Sukhoi Jet Crash) રીતે બહાર નીકળી ગયા હતા અને તેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેમને HAL હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી, જેને ઓલવી લેવામાં આવી છે. વિમાનના ભાગો 500 મીટરની ત્રિજ્યામાં ફેલાયેલા છે. ભારતીય વાયુસેના, HAL સિક્યુરિટી અને HAL ટેકનિકલ યુનિટની ટીમોએ સ્થળની મુલાકાત લીધી હતી.

જાણો Sukhoi Su-30 MKI જેટની ખાસિયતો

રશિયન સુખોઈ Su-30 MKI ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી વિમાન માનવામાં આવે છે. ભારતીય વાયુસેના પાસે 272 સક્રિય Sukhoi Su-30 MKI છે, આ એરક્રાફ્ટમાં બે એન્જિન અને બે પાઈલટ માટે બેઠક છે. આમાંના કેટલાક એરક્રાફ્ટને સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસ લોન્ચ કરવા માટે અપગ્રેડ પણ કરવામાં આવ્યા છે.

સુખોઈ એરક્રાફ્ટ 3,000 કિલોમીટર સુધી હુમલો કરી શકે છે. જ્યારે તેની ક્રૂઝ રેન્જ 3,200 કિલોમીટર અને કોમ્બેટ ત્રિજ્યા 1,500 કિલોમીટર સુધીની છે. વજનમાં ભારે હોવા છતાં, આ ફાઇટર પ્લેન તેની હાઇ સ્પીડ માટે જાણીતું છે. આ એરક્રાફ્ટ 2,100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આકાશમાં ઊડી શકે છે.

ફેબ્રુઆરી 2024: જેસલમેરમાં તેજસ ફાઈટર જેટ ક્રેશ થયું

રાજસ્થાનના પોકરણમાં આયોજિત `ભારત શક્તિ કવાયત`માં ભાગ લઈ રહેલું તેજસ ફાઈટર જેટ 27 ફેબ્રુઆરીએ બપોરે લગભગ 2 વાગ્યે ક્રેશ થયું હતું. જેસલમેર શહેરથી 2 કિલોમીટર દૂર જવાહર નગર સ્થિત ભીલ સમુદાયની હોસ્ટેલ પર તે પડી હતી. તેજસ ક્રેશની આ પ્રથમ ઘટના હતી.

ઘટના સમયે હોસ્ટેલના રૂમમાં કોઈ નહોતું. તેનાથી બહુ નુકસાન થયું નથી. આ દુર્ઘટના પોકરણમાં ચાલી રહેલી કસરત સ્થળથી લગભગ 100 કિલોમીટર દૂર જેસલમેરમાં થઈ હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ડિસેમ્બર 2023: તેલંગાણામાં એરફોર્સ ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું

ભારતીય વાયુસેનાનું એક પ્રશિક્ષણ વિમાન સોમવારે સવારે તેલંગાણામાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. મેડકની બહાર પરિધિ રાવેલીમાં પ્લેન ક્રેશ થયું હતું.
IAFના જણાવ્યા અનુસાર, પ્લેનમાં બે પાયલટ હાજર હતા. જેમાં એક ટ્રેનર હતો જે નવા કેડેટને પ્લેન ઉડવાનું શીખવી રહ્યો હતો. વિમાને સોમવારે સવારે ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી ઉડાન ભરી હતી અને સવારે 8:55 વાગ્યે ક્રેશ થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર થોડીવારમાં જ પ્લેન બળીને રાખ થઈ ગયું હતું.

indian air force indian army nashik maharashtra maharashtra news