09 May, 2023 09:35 AM IST | Mumbai | Mehul Jethva
કૉપી માટે વપરાયેલું બ્લુટૂથ અને સિમ કાર્ડ માટે ઉપયોગમાં લેવાયેલી પેન
મુંબઈ પોલીસમાં કૉન્સ્ટેબલની ભરતી માટેની લેખિત પરીક્ષા દરમ્યાન ‘મુન્નાભાઈ એમબીબીએસ’ સ્ટાઇલથી કાનમાં બ્લુટૂથ રાખીને એના નેટવર્ક માટે ખિસ્સામાં પેન રાખી સવાલના જવાબ કૉપી કરનાર એક યુવકની કસ્તુરબા માર્ગ પોલીસે ધરપકડ કરી છે. એના સહિત અન્ય ત્રણ સેન્ટરમાં કૉપી કરતા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
મુંબઈ પોલીસમાં કૉન્સ્ટેબલની ભરતી માટેની રવિવારે ૨૧૩ પરીક્ષાકેન્દ્રો પર ૮૩,૮૪૭ ઉમેદવારો માટે લેખિત પરીક્ષા લેવાઈ હતી. બોરીવલી-ઈસ્ટના દત્તપાડા રોડ પર જે. બી. હાઈ સ્કૂલમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં ફરજ બજાવતા કૉન્સ્ટેબલ ધર્મા માનેના ધ્યાનમાં આવ્યું કે પરીક્ષા આપવા આવેલો યુવક ધીમેથી કોઈ સાથે વાત કરી રહ્યો છે. ત્યાર બાદ તેની નજીક જઈને બાયોમેટ્રિક પદ્ધતિથી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં પરીક્ષા આપવા આવેલા રવીન્દ્ર કાળેના કાનમાં બ્લુટૂથ જોવા મળ્યું હતું અને એનું કનેક્શન ખિસ્સામાં રહેલી પેન સાથે હતું. એ પેનમાં ઍરટેલનું સિમ કાર્ડ હતું. એ પછી કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એ સાથે ભાંડુપ, મેઘવાડી અને ગોરેગામનાં કેન્દ્રો પર કૉપી કરવાના કેસ નોંધાયા હતા. ઉમેદવારોએ કૉપી કરવા માટે ઇલેક્ટ્રૉનિક ઉપકરણનો ઉપયોગ કર્યો હતો.
કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શશિકાંત જગદાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉપી કરનાર વ્યક્તિ સામે અમે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. યુવક પાસેથી મળી આવેલા ડિવાઇસમાં એક બ્લુટૂથ અને એક પેન મળ છે. પેનમાં એક સિમ કાર્ડ મળ્યું છે જેનાથી તે ફોન પર વાત કરી રહ્યો હતો.’