વસઈ-વિરારમાં હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરીને આઠ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ

15 May, 2024 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જે હોર્ડિંગ્સ ગેરકાયદે અને જોખમી હાલતમાં છે એમને દૂર કરવામાં આવશે.

હોર્ડિંગ્સની તસવીર

ઘાટકોપરમાં જોરદાર પવનને લીધે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરનું જાહેરાતનું હોર્ડિંગ ધરાશાયી થવાથી ૧૪ લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના બાદ BMCથી લઈને પુણે મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે ત્યારે વસઈ-વિરાર મહાનગરપાલિકાએ પણ લાલ આંખ કરીને તમામ હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરીને આઠ દિવસમાં એનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય રસ્તાઓ, ટર્નિંગ રસ્તાઓ પર, ચોક જેવાં સ્થળોએ જાહેરાત કરતાં હોર્ડિંગ્સની સંખ્યા વધુ હોય છે; પરંતુ આ હોર્ડિંગ્સ કેવી હાલતમાં છે એની કોઈ ચકાસણી કરવામાં આવતી ન હોવાથી તોફાની પવન અને વરસાદ દરમ્યાન આવાં હોર્ડિંગ્સ પડી જવાની સંભાવના છે. આ ઘટના બાદ જોખમી હોર્ડિંગ્સનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

વસઈ-વિરારના વિવિધ વિસ્તારોમાં લોખંડની કમાનો ઊભી કરીને મોટી સંખ્યામાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. આ હોર્ડિંગ્સનું સંચાલન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપીને મહાનગરપાલિકા એમની પાસેથી ટૅક્સ મેળવે છે. એમ છતાં અનેક જગ્યાએ કાયદાને એક બાજુએ મૂકીને ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે જેને કારણે જોખમ સાથે સૌંદર્યકરણ પર અસર થતી દેખાય છે. કેટલાંક હોર્ડિંગ્સ લગાવતી વખતે કોઈ કાળજી લેવાતી ન હોવાથી અકસ્માત થવાની શક્યતા પણ રહે છે. ટ્રાફિકમાં અડચણ ન થાય એ માટે મહાનગરપાલિકાએ પરવાનગી આપતી વખતે ટ્રાફિક-વિભાગ પાસેથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવું જરૂરી છે, પરંતુ ટ્રાફિક-પોલીસનું કહેવું છે કે ટ્રાફિક-વિભાગના નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ સામે પીઠ ફેરવવામાં આવી રહી છે અને પરવાનગી લેવામાં ઉદાસીનતા દેખાય છે.

આ ઘટના બાદ વસઈ-વિરારમાં હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એમ જણાવીને વસઈ-વિરાર મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશનર (જાહેરાત વિભાગ) વિશાખા મોટઘરેએ કહ્યું હતું કે ‘વિવિધ ઠેકાણે લગાવવામાં આવેલાં હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવશે. એજન્સી અને કૉન્ટ્રૅક્ટરને પત્ર દ્વારા સૂચના આપ્યા બાદ આઠ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. જે હોર્ડિંગ્સ ગેરકાયદે અને જોખમી હાલતમાં છે એમને દૂર કરવામાં આવશે.’

mumbai news ghatkopar vasai virar vasai virar city municipal corporation