31 December, 2024 06:59 AM IST | Mumbai | Viral Shah
બોરીવલી-ઈસ્ટના અશોકવનમાં ચાલી રહેલું અન્ડરગ્રાઉન્ડ પાઇપ નાખવાનું કામ પણ હવે અટકી જતાં લોકોની હાલાકીમાં વધારો થશે. એ કામને કારણે રોડ બંધ કરી દેવાયો છે. એ હવે ફરી શરૂ થવામાં સમય લાગશે.
જ્યાં સુધી આ વિસ્તારના બિલ્ડરો અને સરકારી એજન્સીઓ BMCએ પ્રદૂષણ ઘટાડવા સૂચવેલાં પગલાંઓ નહીં લે ત્યાં સુધી રહેશે સ્ટૉપ વર્ક : કોલાબા અને વરલીનો પણ લાગી શકે છે નંબર
મુંબઈમાં કથળી રહેલી હવાની ગુણવત્તાની ગંભીર નોંધ લઈને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને (BMC) ગઈ કાલે બોરીવલી-ઈસ્ટ અને ભાયખલામાં તમામ કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પ્રદૂષણને લીધે સુધરાઈએ આવો નિર્ણય લીધો હોય એવું કદાચ પહેલી વાર જ બન્યું છે. છેલ્લા અમુક દિવસથી આ બે વૉર્ડમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૨૦૦થી વધારે રહેતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ વિસ્તારમાં કોઈ પણ બિલ્ડર કે સરકારી એજન્સીએ કામ શરૂ કરવું હશે તો સુધરાઈએ સૂચવેલા ૨૮ ડસ્ટ મિટિગેશન મેઝર્સ (ધૂળ ઘટાડવાનાં પગલાં)ને અમલમાં મૂક્યા બાદ જ કરી શકાશે.
BMC આગામી ત્રણ દિવસ કોલાબા અને વરલીમાં પણ AQI મૉનિટર કરવાની છે અને જો ત્યાં પણ એ સમાધાનકારક નહીં હોય તો બોરીવલી-ઈસ્ટ અને ભાયખલ્લાની જેમ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. જો કોઈ બિલ્ડર આ આદેશનું ઉલ્લંઘન કરશે તો એની ખિલાફ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવાની ચીમકી પણ BMCએ આપી છે. BMC કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અમે બોરીવલી-ઈસ્ટ અને ભાયખલામાં તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સને કામ પર રોક લગાવી દેવાનો નિર્ણય લીધો છે એમાં રાજ્ય સરકાર અને BMCના પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ છે. આ આદેશને ૨૪ કલાકમાં અમલમાં મૂકી દેવામાં આવશે.`
ગઈ કાલે પત્રકારોને સંબોધતી વખતે કમિશનરની સાથે હાજર રહેલા મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB)ના મેમ્બર અવિનાશ ઢાકણેએ કહ્યું હતું કે ‘અત્યારે અમે મુંબઈમાં નવા એક પણ રેડી મિક્સ કૉન્ક્રિટ (RMC)ના પ્લાન્ટને પરવાનગી નથી આપી રહ્યા. જે RMC પ્લાન્ટ છે એને પણ કંતાનથી કવર કરવાનું કહેવામાં આવ્યું છે.’
BMCના આ નિર્ણયથી બિલ્ડરો ખુશ નથી. તેઓ રેકૉર્ડ પર કંઈ કહેવા નથી માગતા. બોરીવલી-ઈસ્ટના એક ડેવલપરે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘હવાની ગુણવત્તા ખરાબ થવાને લીધે BMCએ આ નિર્ણય લીધો એનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી, પણ અમારું સુધરાઈને માત્ર એટલું જ કહેવું છે કે શું બિલ્ડરોને લીધે જ પ્રદૂષણમાં વધારો થાય છે? અમે તો MPCBની તમામ શરતો અને નિયમોનું પાલન કરીએ છીએ. આમ છતાં અમારી સામે આવી ઍક્શન લેવામાં આવે છે. જો એણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં જે બેફામ કામ ચાલી રહ્યાં છે એની સમજીવિચારીને પરવાનગી આપી હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. લોકોની નજરમાં અમને કારણ વગર ગુનેગાર ચીતરવામાં આવે છે જે યોગ્ય નથી.’
સ્થાનિક વિધાનસભ્ય પ્રકાશ સુર્વેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું BMCના નિર્ણયને આવકારું છું. આપણા સ્વાસ્થ્યથી વધારે કંઈ નથી. થોડા દિવસ કામ બંધ રાખ્યા બાદ AQI ઓછો થાય ત્યારે BMCના નિયમો અને શરતોનું જેણે પણ પાલન કર્યું હોય એવા બિલ્ડરોને કામ કરવાની પરવાનગી આપવી જોઈએ અને જે બિલ્ડરોએ નિયમનું પાલન ન કર્યું હોય તેમને પેનલ્ટી પણ મારવી જોઈએ.’
પર્યાવરણવાદીઓ AQIના આ લેવલથી બહુ જ નારાજ થઈ ગયા છે. તેમનું કહેવું છે કે ‘પહેલાં તો BMCએ નૅશનલ પાર્ક જે એરિયામાં છે એ જ વિસ્તારમાં AQI આટલો વધી કેમ ગયો એની તપાસ કરવી જોઈએ. જો આ વિસ્તારમાં ગ્રીનરી ન હોત તો અત્યારે જે AQI છે એનાથી ડબલ હોત. આવી રીતે કામ બંધ કરાવવાને બદલે એ શું કામ થયું એનું કારણ શોધીને કાયમી સૉલ્યુશન લાવવાની દિશામાં કામ કરવું જોઈએ.’
આંકડાબાજી
૨૮૬- BMCએ અત્યાર સુધી આટલી સાઇટ્સને સ્ટૉપ વર્ક નોટિસ ઇશ્યુ કરી છે.
૨૨૦૦- મુંબઈમાં અત્યારે આટલા પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
૭૭- ઇલેક્ટ્રિકને બદલે લાકડાની ભઠ્ઠીથી ચાલતી આટલી બેકરી BMCએ બંધ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે.