પવઈમાં અતિક્રમણ તોડવા ગયેલી સુધરાઈ અને પોલીસ પર પથ્થરમારો

07 June, 2024 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીફરેલા લોકોએ કરેલા પથ્થર-હુમલામાં ૧૫ પોલીસ-કર્મચારી, સુધરાઈના પાંચ એન્જિનિયર અને કામગારો ઘાયલ

પવઈમાં સ્થાનિકોએ પથ્થરમારો કર્યા બાદ પણ BMCના અધિકારીઓએ પોલીસ-પ્રોટેક્શન સાથે ડિમોલિશન કર્યું હતું (તસવીર: કીર્તિ સુર્વે પરાડે)

પવઈની હીરાનંદાની હૉસ્પિટલની બાજુમાં આવેલા જય ભીમનગરનાં ગેરકાયદે ઝૂંપડાં પર બૃહન્મુંબઈ મ્યુનિ​સિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓ ગઈ કાલે ડિમોલિશનની કાર્યવાહી કરવા ગયા ત્યારે ત્યાંના રહેવાસીઓએ તેમને એ કાર્યવાહી કરતા અટકાવ્યા હતા અને તેમના પર સામૂહિક પથ્થરમારો કર્યો હતો. એમાં ૧૫ જેટલા પોલીસ-કર્મચારીઓ, BMCના પાંચ એન્જિનિયર અને કામગારો ઘાયલ થયા હતા. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશને જય ભીમનગરનાં એ ગેરકાયદે ઝૂંપડાંઓ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ​ડિમોલિશનની આ કાર્યવાહી કરતાં પહેલાં BMC દ્વારા જરૂરી બધા જ કાયદાકીય રસ્તા અજમાવવામાં આવ્યા હતા. ત્યાંના રહેવાસીઓને નોટિસ પણ મોકલવામાં આવી હતી. એ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે એ સ્ટ્રક્ચર્સ એ લોકો જાતે હટાવી લે, નહીં તો પછી કાર્યવાહી થશે. BMC દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમણે પ્રોસીજર ફૉલો કરી હતી એટલું જ નહીં, ઝૂંપડાવાસીઓને નોટિસ આપતાં પહેલાં પણ એ ખાલી કરવા પૂરતો સમય આપ્યો હતો. મુંબઈ પોલીસે સંરક્ષણ પૂરું પાડ્યું એ પછી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. સુધરાઈના એક ઑફિસરે કહ્યું હતું કે ‘૪૦૦ જેટલાં ગેરકાયદે ઝૂંપડાંનું ડિમોલિશન કરવાનું હતું. અમે પોલીસને સાથે લઈને ગયા હતા છતાં એ લોકોએ અમને કાર્યવાહી કરતા રોક્યા હતા અને અમારા પર પથ્થરમારો કર્યો હતો.’ 

powai brihanmumbai municipal corporation mumbai police mumbai mumbai news