ભિવંડીમાં વિસર્જનયાત્રામાં મુસ્લિમોએ પથ્થરમારો કર્યો

19 September, 2024 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાતના બે વાગ્યે ગણપતિની મૂર્તિ મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પરિસ્થિતિ વણસી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મુંબઈ ‌સહિત મહારાષ્ટ્રમાં મંગળવારે ૧૧ દિવસનો ગણેશોત્સવ મોટા ભાગે શાંતિથી પૂરો થયો હતો ત્યારે ભિવંડીમાં રાતના બે વાગ્યે ગણપતિની મૂર્તિ એક મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે મુસ્લિમોએ વિસર્જનયાત્રા પર પથ્થરમારો કરતાં હિન્દુ અને મુસ્લિમો સામસામે આવી જવાથી કોમી રમખાણ ફાટી નીકળવાની સ્થિતિ ઊભી થઈ હતી. વિસર્જનયાત્રા ભિવંડીના વંજરપટ્ટી નાકા પર હતી ત્યારે મુસ્લિમોએ ગણપતિ મંડળના કાર્યકરોને અપશબ્દો કહ્યા હતા. કાર્યકરોએ આ લોકોને તેમની ભાષામાં જવાબ આપતાં મામલો બીચક્યો હતો. થોડી વાર પછી સામેની બાજુએથી કેટલાક લોકોએ પથ્થરમારો કરવાની શરૂઆત કરી હતી. પરિસ્થિતિ હાથમાંથી સરકી જઈ રહી હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. વિસર્જનયાત્રા પર પથ્થરમારો કરનારાઓની ધરપકડ કરવાની માગણી હિન્દુઓએ કરીને બાદમાં અમુક સમય સુધી પ્રદર્શન કર્યું હતું. આ સમયે વધુ મુશ્કેલી ઊભી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વધારાનો પોલીસ-બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. થાણેના જૉઇન્ટ પોલીસ-કમિશનર જ્ઞાનેશ્વર ચવાણે કહ્યું હતું કે ‘ભિવંડીમાં હિન્દુસ્તાની મસ્જિદ પાસે ગણપતિની મૂર્તિની વિસર્જનયાત્રા પહોંચી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેને લીધે અહીં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે જોરદાર શાબ્દિક બોલાચાલી થઈ હતી. જોતજોતામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જોકે બાદમાં લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરી નાખવામાં આવ્યું હતું. એકથી દોઢ કલાક સ્થિતિ નાજુક રહી હતી. બાદમાં મામલો થાળે પડ્યો હતો.’

મંગળવારની રાત બાદ ગઈ કાલે ઈદ-એ-મિલાદ વખતે પણ ભિવંડીમાં કોમી છમકલું થયું હતું. જોકે ભારે પોલીસ-બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો એટલે પછી કોઈ મુશ્કેલી નહોતી થઈ.

bhiwandi visarjan ganpati maharashtra news mumbai mumbai news