હજી દુકાનોનાં પાટિયાં મરાઠીમાં કરાવી લેશો તો કાર્યવાહી નહીં થાય

23 November, 2023 12:45 PM IST  |  Mumbai | Rohit Parikh

સુપ્રીમ કોર્ટે આપેલો બે મહિનાનો સમય પૂરાે થયો : ગમે તે સમયે બીએમસી કાર્યવાહી માટે દુકાનો પર ત્રાટકશે

ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બરમાં મુંબઈના છૂટક વેપારીઓને નવાં મરાઠી સાઇનબોર્ડ્સ સ્થાપિત કરવા માટે બે મહિનાનો સમય આપ્યો હતો. આ સમય રવિવાર, ૨૫ નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. ત્યાર પછી મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ મહારાષ્ટ્ર સરકારે માર્ચ ૨૦૨૨માં મુંબઈ મહાનગરપાલિકાના અધિકારક્ષેત્ર હેઠળ આવતી તમામ દુકાનો અને વાણિજ્ય સંસ્થાઓ માટે નોટિફિકેશન જારી કરીને આપેલા આદેશ પ્રમાણે તેમની દુકાનના કે સંસ્થાના નામના બોર્ડને મરાઠી દેવનાગરી લિપિમાં નહીં લગાડ્યાં હોય એમના પર કાયદાકીય દંડાત્મક કાર્યવાહી કરવા સજ્જ થઈ ગયા છે. જોકે મહાનગરપાલિકાના એક અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે આ કાર્યવાહી ક્યારથી શરૂ કરવામાં આવશે એનો નિર્ણય હજી સુધી મહાનગરપાલિકાએ લીધો નથી. જોકે કાયદાકીય સલાહકારોની સલાહ મળતાં જ તેઓ દુકાનો, ઑફિસો અને સંસ્થા પર ત્રાટકશે એ નક્કી જ છે.

આ બાબતની દુકાનદારોને ચેતવણી આપતાં ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના વીરેન શાહે કહ્યું હતું કે ‘કોર્ટના આદેશ પ્રમાણે દુકાનના નામનું બોર્ડ બદલવાનો બે મહિનાનો સમય ૨૫ નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. જો તમારી દુકાન કે ઑફિસનું મોટા અક્ષરમાં મરાઠીમાં બોર્ડ ન લગાડ્યું હોય તો તરત જ લગાવી લેજો. આ નામના મરાઠી અક્ષરોના ફોન્ટ કોઈ પણ પ્રકારે અન્ય ભાષા કરતાં નાના ન હોવા જોઈએ અને એ સૌથી ઉપર હોવા જોઈએ. જે દુકાનદારોએ તેમની દુકાનો કે ઑફિસોના નામનું બોર્ડ સરકારના આદેશ પ્રમાણે ૨૫ નવેમ્બર સુધીમાં નહીં લગાડ્યું હોય તેમને મહાનગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવશે. આ જાણકારી દુકાનદાર, હોટેલ, સિનમાઘરો, મૉલના દુકાનદારોને પહોંચાડવામાં આવે.’
મહારાષ્ટ્ર સરકારના આદેશ પ્રમાણે આ નિયમમાં તમામ વ્યવસાય, સ્થાપના, દુકાનો, ખાનગી સ્કૂલો અને અન્ય ખાનગી વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાયદાનું પાલન ન કરનારાઓને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. કાયદા સામે વેપારી સંગઠનો સુપ્રીમ કોર્ટમાં ગયાં હતાં. પહેલાં તો કોર્ટે એક વર્ષ સુધી આ કાયદા સામે સ્ટે આપ્યો હતો. જોકે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટના જજો દ્વારા પણ વેપારી સંગઠનોને એવી સલાહ આપવામાં આવી હતી કે કોર્ટમાં લડવા માટે વકીલોનો ખર્ચ કરવા કરતાં આ પૈસામાંથી મરાઠીમાં બોર્ડ બનાવી લો અને જે રાજ્યમાં વ્યવસાય કરો છો ત્યાંના કાયદાનું પાલન કરો. ત્યાર પછી કોર્ટે દુકાનદારોને દુકાન કે સંસ્થાના આદેશનું પાલન કરવા માટે બે મહિનાનો સમય આપ્યો હતો જે રવિવાર, ૨૫ નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે.

અમે જે વ્યાપારી સંસ્થાઓએ હજી સુધી મરાઠી બોર્ડ લગાડ્યાં નહીં હોય તેમના પર અગાઉ જાહેર કર્યા પ્રમાણે દંડાત્મક કાર્યવાહી શરૂ કરીશું એમ જણાવીને મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે શરૂઆતમાં મુંબઈના મુખ્ય રાજમાર્ગો પર આવતી દુકાનોને નોટિસ આપવાની શરૂઆત કરીશું. અમે આ દુકાનદારોને નોટિસ આાપ્યા પછી પણ હજી સુધી જો તેઓ તેમની દુકાનોનાં સાઇનબોર્ડ મરાઠીમાં લગાડવામાં નિષ્ફળ ગયા હશે તો તેમના પર અમારા અધિકારીઓની સ્પેશ્યલ ટીમ દંડાત્મક કાર્યવાહી કરવાની શરૂઆત કરશે. અમે ગમે તે મોમેન્ટે આ કાર્યવાહીની શરૂઆત કરીશું જેથી દુકાનદારો કે જેમને અમે નોટિસ સર્વ કરી છે તેમણે હજી સુધી તેમનાં બોર્ડ બદલ્યાં ન હોય તો તેઓ વહેલી તકે તેમનાં સાઇનબોર્ડ મરાઠીમાં રાજ્ય સરકારના આદેશ પ્રમાણે લગાડી દે. અમે આ વ્યાપારી સંસ્થાઓ સામે કોર્ટમાં કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી લીધી છે. અમે ટૂંક સમયમાં આ વ્યાપારી સંસ્થાઓને બીજી નોટિસ આપીને દંડાત્મક કાર્યવાહી કરવાની શરૂઆત કરીશું.’

હાલની જોગવાઈ જણાવે છે કે દુકાનો પાસેથી કર્મચારીદીઠ ૨,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે એવી જાણકારી આપતાં આ અધિકારીએ કહ્યું હતું કે ‘જો દુકાનમાલિકો કોઈ પણ વિવાદ વગર મહાનગરપાલિકામાં આવીને દંડ ભરવાનું પસંદ કરશે તો તેમની સામે મહાનગરપાલિકા કોર્ટમાં કાર્યવાહી કરશે નહીં. હાલમાં મુંબઈમાં પાંચ લાખથી વધુ દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ છે અને એમાંથી જે દુકાનદારોએ તેમનાં સાઇનબોર્ડને મરાઠીમાં લગાવ્યાં નથી તેમની દુકાનોના ફોટાગ્રાફ્સ લઈને અમે તેમને નોટિસ મોકલીશું.’

મહાનગરપાલિકાએ દુકાનોનું નિરીક્ષણ કરવા માટે વિવિધ વૉર્ડ અને ઝોનલ સ્તરે ૬૦ નિરીક્ષકોની નિમણૂક કરી હતી. આ અધિકારીએ કહ્યું હતું કે ‘અમે અમારી ટીમને દરરોજ ૩,૦૦૦  દુકાનોનું નિરીક્ષણ કરવાનો ટાર્ગેટ આપ્યો છે. પહેલાં આ અધિકારીઓ મુંબઈ અને ઉપનગરોના મુખ્ય રાજમાર્ગો પર આવેલી દુકાનોનું નિરીક્ષણ કરી એના ફોટા પાડીને ઍક્શન લેશે. અમે આ કાર્યવાહી કરવા માટે એકદમ સજ્જ છીએ, પણ અમારા કાયદાકીય સલાહકારોની સલાહ લીધા પછી દુકાનદારો પર ત્રાટકીશું.’

supreme court brihanmumbai municipal corporation mumbai mumbai news rohit parikh