01 October, 2024 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
ધુળેમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાને ગ્રામવિકાસ માટે જમીન આપવામાં આવશે.
મહાયુતિ સરકારે સપ્ટેમ્બર મહિનામાં કુલ ૨૫૬૯ ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) પાસ કર્યાં છે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન સહિત રાજ્યમાં હાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા અનેક પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે ત્યારે રાજય સરકારની મંત્રીમંડળની ગઈ કાલની બેઠકમાં એ પ્રોજેક્ટ જ્લદીથી પૂરા થાય અને લોકોને એ સુવિધાઓનો લાભ મળી શકે એ માટે તેમને આર્થિક સહાય તેમ જ લોન આપવાના કેટલાક મહત્ત્વના નિર્ણય લેવાયા હતા.
ઑરેન્જ ગેટ ટુ મરીન ડ્રાઇવ અન્ડરગ્રાઉન્ડ
કોસ્ટલ રોડ અને આગળ વધતાં બાંદરા-વરલી સી-લિન્કનો ઉપયોગ સાઉથ મુંબઈના અને ખાસ કરીને સરકારી ઑફિસો, પોર્ટ, શૅરબજાર અને મસ્જિદ બંદરની અન્ય મહત્ત્વની માર્કેટના લોકો સહેલાઈથી કરી શકે એ માટે ઑરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ સુધીનો કુલ ૯.૨ કિલોમીટરનો અંદાજે ૭૭૬૫ કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનાવવાનો પ્રોજેક્ટ છે, જેમાં ૬.૫૨ કિલોમીટરનો રોડ અન્ડરગ્રાઉન્ડ હશે. એ માટે ટ્વિન ટનલ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા હાથ ધરાવામાં આવ્યો છે. રાજ્ય સરકારે હવે એ માટે MMRDAને વગર વ્યાજની સેકન્ડરી લોન આપવાનો નિર્ણય લીધો છે.
થાણે રિંગ મેટ્રો માટે ૧૨,૨૦૦ કરોડ
થાણેને મુંબઈ અને કલ્યાણ સાથે જોડતા ૨૯ કિલોમીટરના ધ થાણે ઇન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારના નગર વિકાસ ખાતાએ એના સુધારેલા પ્લાન મુજબ ૧૨,૨૦૦ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે ઑલરેડી મંજૂરી આપી છે. પ્રોજેક્ટ ૨૦૨૯ સુધી પૂરો થવાની ધારણા છે.
બોરીવલી-થાણે ટ્વિન ટનલ
સબર્બ્સ બોરીવલી અને થાણેને જોડતા ૧૧.૮ કિલોમીટરના આ પ્રોજેક્ટમાં ૧૩,૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૦.૮ કિલોમીટરની બે ટ્વિન ટનલ બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્ક હેઠળથી બનાવવામાં આવશે. એના કૉસ્ટિંગમાં હવે વધારો થતાં રાજ્યના નગર વિકાસ ખાતાએ આ પ્રોજેક્ટ માટે ૧૫૦૦ કરોડ રૂપિયાની લોન લેવાનો નિર્ણય લીધો છે.
ધારાવીના અપાત્ર રહેવાસીઓને ભાડા પર ઘર
ધારાવીના અપાત્ર રહેવાસીઓને પરવડી શકે એવા ભાડા પર ઘર આપવાની સ્કીમ બનાવવાનો નિર્ણય મંત્રીમંડળે લીધો છે. ધારાવી રીડેવલપમેન્ટ સંદર્ભે સર્વે વહેલી તકે પૂરો કરી પાત્ર અને અપાત્ર રહેવાસીઓ (ઝૂંપડાવાસીઓ) કેટલા છે એની સંખ્યા નક્કી કરવાની છે. ત્યાર બાદ તેમના માટે કેટલી જમીન લાગશે એ નક્કી કરવામાં આવશે. ક્રેડિટ લિન્ક સબસિડી હોવાથી રાજ્ય સરકાર પર એનો કોઈ આર્થિક બોજ ન આવે એની ખબરદારી રાખવાની છે અને આ કર્તવ્ય પૂરું પાડવાની જવાબદારી ધારાવી રીડેવલપ કરી રહેલી કંપનીની જ રહેશે. આ સ્કીમ ફક્ત આ પ્રોજેક્ટ માટે જ લાગુ કરવામાં આવશે, અન્ય કોઈ પણ પ્રોજેક્ટને એ લાગુ નહીં કરાય એવો નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો છે.