જુનિયર કૉલેજ અને નૉન-સ્ટેટ બોર્ડની સ્કૂલોનું વધી ગયું ટેન્શન

16 September, 2024 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં બધાં બોર્ડ માટે ૧૨મા ધોરણ સુધી મરાઠીનું શિક્ષણ ફરજિયાત હોવાનો રાજ્ય સરકારનો આદેશ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ધોરણ બારમા સુધી કોઈ પણ મીડિયમ અને કોઈ પણ બોર્ડની સ્કૂલો કે જુનિયર કૉલેજોમાં મરાઠીનું શિક્ષણ આપવું ફરજિયાત છે. આના કારણે જુનિયર કૉલેજો અને નૉન-સ્ટેટ બોર્ડની શિક્ષણ-સંસ્થાઓ વિમાસણમાં મુકાઈ છે, કારણ કે તેમણે મરાઠીનો સમાવેશ વૈકલ્પિક વિષય તરીકે કર્યો છે. બીજી તરફ સ્ટેટ બોર્ડની સ્કૂલોમાં ૧૦મા ધોરણ સુધી મરાઠીનું શિક્ષણ ફરજિયાત છે.

મહારાષ્ટ્ર કમ્પલ્સરી ટીચિંગ ઍન્ડ લર્નિંગ ઑફ મરાઠી લૅન્ગ્વેજ ઇન સ્કૂલ ઍક્ટ ૨૦૨૦થી અમલમાં આવ્યો છે અને એમાં સ્કૂલોમાં મરાઠી વિષયનું શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક ફૉર સ્કૂલ એજ્યુકેશને બે ફરજિયાત વિષયો તરીકે પસંદ કરવા માટેની ૧૭ ભારતીય ભાષાઓમાંથી મરાઠી એક હોવા સાથે ધોરણ ૧૧ અને ૧૨ માટે અંગ્રેજીને ફરજિયાત વિષય તરીકે દૂર કરવાની દરખાસ્ત કરી છે.

આ મુદ્દે શુક્રવારે સ્ટેટ સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ગવર્નમેન્ટ રિઝૉલ્યુશન બહાર પાડીને તમામ સ્કૂલો અને જુનિયર કૉલેજોને સ્ટુડન્ટ્સને મરાઠી ભાષા ભણાવવાનો નિર્દેશ આપ્યો હતો. ગયા ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકારે શિક્ષણ અધિકારીઓને એવી સ્કૂલો સામે પગલાં લેવાં અને તેમની માન્યતા રદ કરવા જણાવ્યું હતું, જેમાં મરાઠી ભાષાનું શિક્ષણ આપવામાં આવતું નથી. ૧૧ અને ૧૨મા ધોરણમાં પણ મરાઠી ભાષાનું શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવ્યું હતું.

કોવિડ-19 સમયે સરકારે નૉન-સ્ટેટ બોર્ડની સ્કૂલોમાં મરાઠી ભણાવવાના મુદ્દે થોડી છૂટ આપી હતી. ૨૦૨૨-’૨૩ના નૉન-સ્ટેટ બોર્ડના ધોરણ ૮ના સ્ટુડન્ટ્સને એમાં મરાઠી શીખવવામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આ સ્ટુડન્ટ્સ હવે ૨૦૨૪-’૨૫માં ૧૦મા ધોરણમાં આવ્યા છે અને તેમને મરાઠીનું શિક્ષણ લેવામાંથી બાકાત રખાયા છે, પણ આ મરાઠીનું શિક્ષણ નહીં મેળવનારો છેલ્લો બૅચ રહેશે એમ સરકારે જણાવ્યું છે. સરકારે કહ્યું હતું છે કે નૉન-સ્ટેટ બોર્ડની શિક્ષણ સંસ્થાઓએ કોવિડ સમયે સરકારે જાહેર કરેલા આદેશનું અર્થઘટન ખોટી રીતે કર્યું છે. એમાં કહેવાયું હતું કે ૨૦૨૨-’૨૩માં નૉન-સ્ટેટ બોર્ડમાં ધોરણ આઠને જ એમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. એનો અર્થ એ થતો હતો કે ૨૦૨૪-’૨૫માં ૧૦મા ધોરણનો બૅચ આવી છૂટ મેળવનારો છેલ્લો બૅચ હતો. 
શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે અને ૧૧ અને ૧૨મા ધોરણના કેટલાક સ્ટુડન્ટ્સે મરાઠીને બદલે બીજા વિષયો લીધા છે, તેમની સામે હવે સવાલ ઊભો થયો છે. આ જુનિયર કૉલેજો પણ વિમાસણમાં મુકાઈ છે.

mumbai news mumbai Education maharashtra news maharashtra