24 December, 2023 12:50 PM IST | Mumbai | Bakulesh Trivedi
બ્રિજનું એક લેનનું કામ પૂરું થઈ ગયું છે, પણ બીજી લેનનું કામ લાંબા સમયથી અટકી ગયું હતું
બોરીવલી-ઈસ્ટમાં નૅશનલ પાર્ક પાસે દહિસર નદી પરનો જૂનો બ્રિજ તોડી નવો બનાવાયો છે. જોકે એની એક જ બાજુ હાલ ખુલ્લી મુકાઈ છે, બીજી તરફનો માત્ર ૧૦-૧૫ ફુટ જેટલો જ ભાગ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી ન આવતાં અટકી પડ્યો હતો. જોકે હવે એ માટેની બધી જ મંજૂરીઓ મળી ગઈ છે અને ટૂંક સમયમાં એનું મેજર કામ હાથ ધરાશે અને ત્રણથી ચાર મહિનામાં એ કામ આટોપી લઈને લોકો માટે એ બ્રિજની બીજી બાજુ પણ ખુલ્લી મૂકી દેવાશે, એમ બીએમસીના અધિકારીએ જણાવ્યું છે.
બે વર્ષ પહેલાં અને એ પહેલાંના વર્ષે દહિસર નદીમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું અને એ બ્રિજ પરથી પાણી વહીને નજીકના શાંતિવન વિસ્તારમાં ભરાઈ જતાં બન્ને વખતે અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું હતું. એ પછી બ્રિજની ચકાસણી કરવામાં આવી અને એ બ્રિજ નબળો પડી ગયો હોવાનું જણાઈ આવતાં નવો બ્રિજ બનાવવાનું ચાલુ કરાયું હતું. જોકે એ બ્રિજ પહેલાં સહેજ સાંકડો હતો. હવે જ્યારે નવો જ બનાવાઈ રહ્યો છે તો એને પહેલાં કરતાં પહોળો બનાવવાનો નિર્ણય લેવાયો હતો અને એ પ્રમાણે કૉલમ અને બિમ નાખીને કામ ચાલુ કરવામાં આવ્યું હતું. બ્રિજની નૅશનલ પાર્ક સાઇડની લેન તો બની પણ ગઈ છે અને એ હવે લોકો તથા વાહનો માટે ખુલ્લી પણ મૂકી દેવાઈ છે અને હાલ એ જ લેન પરથી બન્ને તરફના ટ્રાફિકની મૂવમેન્ટ થાય છે.
બેસ્ટની બસ-નંબર ૩૦૧ બોરીવલી સ્ટેશન ટુ હનુમાન ટેકડી, બસ-નંબર ૭૯૬ બોરીવલી સ્ટેશન ટુ એનજી પાર્ક બન્ને ત્યાંથી જ પસાર થાય છે. આ ઉપરાંત બોરીવલી-ઈસ્ટની કાજુપાડા - અભિનવનગરની બસ પણ ત્યાંથી જ પસાર થાય છે. વળી સ્ટેટ ટ્રાન્સપોર્ટના નેન્સી ડેપોમાં દિવસ-રાત ૨૪ કલાક આવતી-જતી બહારગામની બસો પણ એ જ રૂટ પરથી એ જ બ્રિજ પરથી આવ-જા કરે છે. મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે આટલું ઓછુ હોય એમ સ્કૂલ-બસો એનાં બાળકોને લેવા-મૂકવા નીકળે છે. ૧૫થી ૨૦ સ્કૂલોની એક કરતાં વધુ બસ આ રૂટ પરથી દિવસમાં ઍટ લીસ્ટ ચાર વાર નીકળે છે. આમ આ બધાં જ સહિયારાં કારણોને કારણે બહુ જ ટ્રાફિક-સમસ્યા સર્જાય છે અને ઘણી વાર તો એવો ટ્રાફિક જૅમ થાય છે કે લોકો હેરાન-પરેશાન થઈ જાય છે અને અડધા કલાકી એક કલાક બગાડવો પડે છે.
બ્રિજનું એક લેનનું કામ પૂરું થઈ ગયું છે, પણ બીજી લેનનું કામ લાંબા સમયથી અટકી ગયું હતું. એમાં એવું જાણવા મળ્યું હતું કે એ બ્રિજ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર જ્યાં કનેક્ટ થાય છે ત્યાં બનાવવામાં આવેલા બે ટ્રાફિક આઇલૅન્ડ નૅશનલ પાર્કની માલિકીના છે જે હટાવવા પડે એમ છે. એથી એ માટે કેન્દ્ર સરકારના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી મેળવવી પડે એમ હતી. એ માટે બીએમસી દ્વારા ઘણાબધા પત્રવ્યવહાર કરાયા હતા અને એ હટાવવાની મંજૂરી મેળવવામાં લાગી રહેલી વારને કારણે એ કામ અટક્યું હતું. જોકે હવે એ બધી જ મંજૂરીઓ મળી ગઈ છે.
બીએમસીના બ્રિજ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ એન્જિનિયર સંજય ઇંગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને લગતી બધી જ મંજૂરીઓ હવે મેળવાઈ ગઈ છે અને ટૂંક સમયમાં બ્રિજનું બાકી રહેલું કામ અમે ચાલુ કરી રહ્યા છીએ. ચારેક મહિનામાં એ બધું જ કામ આટોપી લઈને બ્રિજની એ બીજી લેન પણ લોકો માટે ખુલ્લી મૂકવાનો અમારો પ્લાન છે. લોકોએ હવે લાંબો સમય હેરાન નહીં થવું પડે.’