આઝાદીનાં ૭૬ વર્ષ બાદ નક્સલવાદીઓના ગઢ ગણાતા ગડચિરોલીના અંતરિયાળ વિસ્તારમાં STની બસ દોડી

02 January, 2025 01:54 PM IST  |  Gadchiroli | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બસને લોકાર્પણ કરીને પોતે પણ બીજા મુસાફરો સાથે એમાં પ્રવાસ કર્યો

બસને લીલી ઝંડી દેખાડ્યા પછી એમાં પ્રવાસ કરતા દેવેન્દ્ર ફડણવીસ.

રાજ્યના ગડચિરોલી જિલ્લામાં વર્ષોથી નક્સલવાદીઓનું જોર છે એટલે આટલાં વર્ષો એનો અંતરિયાળ વિસ્તાર બહુ ડેવલપ થયો નહોતો. રસ્તા જ ન બનતા હોવાથી બેઝિક ટ્રાન્સપોર્ટેશનની સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની સુવિધા પણ આપી શકાતી નહોતી. જોકે ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગર્દેવાડાથી છત્તીસગઢની સીમા પાસે આવેલા વાંગેતુરીના ૩૨ કિલોમીટરના નવા બનાવવામાં આવેલા રસ્તા પર પહેલી વાર STની બસને લોકાર્પણ કરી હતી એટલું જ નહીં, પ્રવાસી બનીને અન્ય સ્થાનિક પ્રવાસીઓ સાથે એમાં પ્રવાસ પણ કર્યો હતો. લોકોએ તેમના આ પ્રયાસને વધાવી લીધો હતો.

ગડચિરોલી અને છત્તીસગઢ વિસ્તાર નક્સલવાદીઓનો ગઢ ગણાય છે. ગડચિરોલીના એટાપલ્લી તાલુકામાં ગર્દેવાડા સુધી જ રોડ હતો અને ત્યાં સુધી જ STની બસ દોડતી હતી. એ પછી છત્તીસગઢ તરફ રસ્તો જ નહોતો કે બ્રિજ પણ નહોતા. એથી એ બાજુનાં ૧૫ ગામના રહેવાસીઓ માટે ટ્રાન્સપોર્ટની કોઈ સુવિધા જ નહોતી.

બે વર્ષ પહેલાં મહાયુતિની રાજ્ય સરકારે એ વિશે ધ્યાન આપ્યું હતું અને ત્યાર બાદ ગડચિરોલી પોલીસે આ નક્સલવાદી વિસ્તારમાં પગપેસારો કરીને એક પછી એક પોલીસ મદદ કેન્દ્રો ખોલ્યાં હતાં. એ પછી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે પણ હિંમત કરીને ત્યાં રસ્તો બનાવવાનું ચાલુ કર્યું હતું. આખરે ગર્દેવાડાથી વાંગેતુરી વચ્ચેનો ૩૨ કિલોમીટરનો રસ્તો તૈયાર કર્યો હતો અને ગઈ કાલે નવા વર્ષના પહેલા દિવસે STની સુવિધા ચાલુ કરવામાં આવી હતી. ૧૫ ગામના રહેવાસીઓ એનાથી બહુ જ ખુશ જણાયા હતા અને તેમણે મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો. તેમનું કહેવું હતું કે આ બસ-સર્વિસને કારણે તેમને મેડિકલ ​સુવિધા અને એજ્યુકેશન મેળવવામાં તથા અન્ય સરકારી કામકાજ પતાવવામાં આસાની રહેશે. 

mumbai news mumbai devendra fadnavis gadchiroli maharashtra news