15 May, 2024 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં સોમવારે સાંજે ફૂંકાયેલા વંટોળ વખતે વડાલાના બરકત અલી નાકા પર ઊભો કરવામાં આવેલો ૧૪ માળનો લોખંડનો પાર્કિંગ ટાવર તૂટી પડવાની ઘટના બની હતી. એ કેસમાં હવે સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)એ ડેવલપર ન્યુ મેક કંપનીને શોકૉઝ નોટિસ મોકલી છે એટલું જ નહીં, એનો જવાબ આવે એ પછી તેમની સામે શું કાર્યવાહી કરવી એ નક્કી કરવામાં આવશે એમ SRAના એક અધિકારીએ જણાવ્યું હતું.
સોમવારે સાંજે સવાચાર વાગ્યે વંટોળ વખતે લોખંડનો અન્ડર-કન્સ્ટ્રક્શન પાર્કિંગ ટાવર તૂટી પડ્યો હતો. એના કાટમાળ હેઠળ ત્યાં પાર્ક કરવામાં આવેલાં આઠથી દસ વાહનો દબાઈ ગયાં હતાં. એ ઘટનામાં બે જણને ઈજા પણ થઈ હતી. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ, ફાયર-બ્રિગેડ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. એ જ રીતે SRAના અધિકારીઓ પણ ત્યાં ધસી ગયા હતા. વડાલાના બરકત અલી નાકા પર SRAનો ગણેશ સેવા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એના રીહૅબિલિટેશનની ઇમારત બની ગઈ હતી અને એની બાજુમાં આ પાર્કિંગ ટાવર બની રહ્યો હતો. એનું લોખંડનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું હતું અને કૉન્ક્રીટાઇઝેશનનું કામ બાકી હતું. સોમવારે આખી રાત એ તૂટી પડેલા પાર્કિંગ ટાવરનો કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું હતું જે મંગળવારે સવારે પૂરું થયું હતું અને ત્યાર બાદ એ રોડ ફરી વાહનવ્યવહાર માટે ચાલુ કરવામાં આવ્યો હતો.