01 March, 2024 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અચાનક જ પાંચ ડિગ્રી તાપમાન વધતાં મુંબઈગરા ગરમીમાં શેકાયા
હોળી બાદ સામાન્ય રીતે ગરમીમાં વધારો થાય છે. હજી હોળીને ત્રણ અઠવાડિયાંની વાર છે ત્યાં જ સૂરજદાદા અગ્નિ ઓકવા લાગ્યા છે. ફેબ્રુઆરીના અંતમાં સામાન્ય રીતે હોય એના કરતાં ગઈ કાલે ૪.૮ ડિગ્રી ઊંચું તાપમાન નોંધાતાં મુંબઈગરા ગરમીમાં શેકાયા હતા. ગઈ કાલે કોલાબામાં ૩૫.૨ તો સાંતાક્રુઝમાં ૩૭.૨ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે આગામી થોડા દિવસ આવું જ વાતાવરણ રહેવાની આગાહી કરી છે.
આ વર્ષે ૨૪ માર્ચે હોળી છે અને સામાન્ય રીતે હોળી બાદ જ ગરમીમાં ધીમે-ધીમે વધારો થાય છે. હોળી ૨૪ માર્ચે છે, પણ અત્યારથી જ ગરમીમાં વધારો થયો છે. ભારતીય વેધશાળાના ડિરેક્ટર કે. જે. રમેશે જણાવ્યું હતું કે ‘આ વર્ષે ગરમી વહેલી શરૂ થઈ જવાની શક્યતા છે. હોળીની આસપાસ જ્યાં ગરમીમાં વધારો થતો હોય છે એની જગ્યાએ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયાથી જ ગરમીમાં વધારો થશે અને હોળી આવતા સુધીમાં તો દેશનાં અનેક રાજ્યોમાં લૂ શરૂ થઈ જશે. અત્યારથી જ પાંચ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે જેમાં વધારો કાયમ રહેશે.’
વેધર એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ અત્યારે આપણે ઠંડી ખતમ થવાની સાથે ગરમીની શરૂઆત થવાના હવામાનના ચક્રમાંથી પસાર થઈ રહ્યા છીએ. આવી સ્થિતિમાં વસંત ઋતુ લગભગ ગાયબ થઈ ગઈ છે. દુનિયાભરની મોસમમાં અલ નીનોની ઇફેક્ટ સાફ દેખાઈ રહી છે. આને કારણે પ્રશાંત મહાસાગર જ નહીં, બંગાળની ખાડીની સાથે અરબ સાગરમાં પણ તાપમાનમાં વધારો નોંધાયો છે. ગયા વર્ષે દક્ષિણનાં રાજ્યોમાં મે મહિનામાં લૂની શરૂઆત થઈ હતી, જ્યારે આ વર્ષે આ મહિનાના ત્રીજા અઠવાડિયાથી સખત ગરમી અનુભવાઈ શકાશે.
મુંબઈમાં ગઈ કાલે દિવસ દરમ્યાન કોલાબામાં ૩૫.૨ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૭.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે અનુક્રમે ૪.૨ અને ૪.૮ ડિગ્રી જેટલું ઊંચું હતું. રાતના તાપમાનમાં પણ ૨.૧ ડિગ્રી અને ૪.૩ ડિગ્રી જેટલો વધારો નોંધાયો હતો. આવી જ રીતે આગામી ૨૪ અને ૪૮ કલાકમાં મહત્તમ ૩૭થી ૩૩ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.