02 December, 2024 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીકાંત શિંદે, એકનાથ શિંદે
રાજ્યમાં નવી સરકારની શપથવિધિની તારીખ જાહેર થઈ ગઈ છે, પણ શિવસેનાએ આ સરકારમાં તેમના પક્ષની શું ભૂમિકા હશે એની હજી સ્પષ્ટતા નથી કરી. ગઈ કાલે સાતારામાં આવેલા પોતાના દરે ગામથી થાણે આવવા પહેલાં કૅરટેકર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પત્રકારો સાથે વાત કરી હતી જેમાં તેમણે ગુરુવારે થાણેમાં પત્રકારો સાથે કરેલી વાત જ રિપીટ કરી હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓ જે નિર્ણય લેશે એ તેમને મંજૂર હશે.
જોકે એવું કહેવાય છે કે એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકારવા બહુ ઉત્સુક નથી અને તેમની પાર્ટીને ગૃહ ખાતું પણ પોતાની પાસે જોઈએ છે જે આપવા માટે BJP તૈયાર ન હોવાનું કહેવાય છે. આ બધા વચ્ચે ગઈ કાલથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે એકનાથ શિંદે પોતાના પુત્ર શ્રીકાંત શિંદેને નાયબ મુખ્ય પ્રધાનપદે બેસાડી શકે છે. જોકે એમાં તેમને ઉદ્ધવ ઠાકરેની પાર્ટી દ્વારા થનારી ટીકાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે તેઓ તરત જ એકનાથ શિંદે પર પુત્રપ્રેમનો આક્ષેપ કરશે.
શ્રીકાંત શિંદેને નાયબ મુખ્ય પ્રધાનપદ આપવા બાબતે એકનાથ શિંદેને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘નાયબ મુખ્ય પ્રધાનપદ શ્રીકાંત શિંદેને મળશે એવી ચર્ચા તમે પત્રકારો જ કરી રહ્યા છો. આ બધી ચર્ચાનો વિષય છે અને અમારી ચર્ચા ચાલુ જ છે. અમારી એક બેઠક અમિતભાઈ સાથે થઈ ગઈ છે અને બીજી મીટિંગ અમારા ત્રણેય (એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર)ની થશે. એમાં મહારાષ્ટ્રના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તથા ગૃહખાતા વિશે ચર્ચા કરવામાં આવશે. મને શું મળ્યું, બીજાને શું મળ્યું એ મહત્ત્વનું નથી. જનતાને શું મળશે એ મહત્ત્વનું છે.’
પોતાને નાયબ મુખ્ય પ્રધાનપદ મળવા વિશે શ્રીકાંત શિંદેએ દરે ગામથી હેલિકૉપ્ટરમાં થાણે આવતી વખતે એક ન્યુઝ-ચૅનલને કહ્યું હતું કે ‘નાયબ મુખ્ય પ્રધાન બનવા વિશે મેં વિચાર સુધ્ધાં નથી કર્યો. શ્રીકાંત શિંદે અત્યારે કલ્યાણ બેઠક પરથી સંસદસભ્ય છે.’