12 January, 2024 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજીત પવાર
મુંબઈ ઃ દોઢ વર્ષ પહેલાં એકનાથ શિંદેએ તો છ મહિના પહેલાં અજિત પવારે પોતાના પક્ષપ્રમુખ સામે બળવો કર્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણની દિશા બદલાઈ ગઈ છે. પક્ષમાં સત્તાસંઘર્ષના મામલામાં એકનાથ શિંદેનો સંઘર્ષ દોઢ વર્ષ બાદ સફળ થયો છે. વિધાનસભાના સ્પીકર ઍડ્. રાહુલ નાર્વેકરે ચુકાદો આપ્યો એનાથી અજિત પવારનો રસ્તો સરળ બની ગયો હોવાનું કહી શકાય. એકનાથ શિંદે અને અજિત પવારનો મામલો લગભગ સરખો જ છે એટલે એનસીપીમાં બળવાનો મામલો પણ અજિત પવારની તરફેણમાં આવી શકે છે. ખુદ શરદ પવારે પણ ચુકાદા વિશે પક્ષની કાર્યકારિણી મહત્ત્વની હોવાનું કહ્યું છે અને આ ચુકાદો કાયદાકીય નહીં પણ રાજકીય હોવાનું કહીને જનતાની અદાલતમાં પડકારવાની જાહેરાત કરી છે.
શિવસેનાના સત્તાસંઘર્ષની જેમ સુપ્રીમ કોર્ટે એનસીપીના સત્તાસંઘર્ષનો ચુકાદો પણ એક મહિનામાં આપવાનો આદેશ મહારાષ્ટ્રની વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને આપ્યો છે. આથી ટૂંક સમયમાં જ એનસીપીનાં બંને જૂથના વિધાનસભ્યોની સુનાવણી સ્પીકર શરૂ કરશે. શિવસેનાના મામલામાં સ્પીકરે પક્ષના બંધારણ અને વિધાનસભામાં સભ્યોની સંખ્યાના આધારને ચુકાદામાં મહત્ત્વ આપ્યું છે. આ બાબત કાકા શરદ પવાર સામે અજિત પવારનો હાથ ઉપર રાખી શકે છે, કારણ કે એનપીસીના ૫૩ વિધાનસભ્યોમાંથી ૪૧ વિધાનસભ્યો અજિત પવાર સાથે છે.
અજિત પવાર જૂથના નેતા સુનીલ તટકરેએ એકનાથ શિંદેની તરફેણમાં ચુકાદો આવવા વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘શિવસેનાની જેમ એનસીપીમાં ચાલી રહેલો સત્તાસંઘર્ષનો નિકાલ પણ અમારા પક્ષે રહી શકે છે, કારણ કે બંને પક્ષના સત્તાસંઘર્ષનો મામલો એકસરખો જ છે. સ્પીકર એકમાં ન્યાય આપે અને બીજામાં અન્યાય કરે એવું ન બને. કાયદાકીય રીતે જ તેઓ નિર્ણય લેશે એટલે અમને આશા છે કે અમારો જ વિજય થશે.’
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેનો સત્તાસંઘર્ષ ચાલી રહ્યો હતો એ વચ્ચે જ ગયા વર્ષે જુલાઈ મહિનામાં અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કરીને એકનાથ શિંદેની આગેવાનીની બીજેપી સાથેના ગઠબંધનની સરકારમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો. અજિત પવાર સહિત એનસીપીના આઠ વિધાનસભ્યોએ પ્રધાનપદના શપથ લીધા બાદ તેઓ સરકારમાં સહભાગી થયા હતા.
અજિત પવારના બળવા બાદ શરદ પવાર અને અજિત પવાર વચ્ચે એનસીપી પોતાને હસ્તક કરવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટમાં સત્તાસંઘર્ષ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં પણ મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરને એક મહિનાની અંદર બંને જૂથના વિધાનસભ્યોની સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો છે. આથી ટૂંક સમયમાં હવે એનસીપીના સત્તાસંઘર્ષની સુનાવણી શરૂ થઈ શકે છે.
શરદ પવારે એકનાથ શિંદે જૂથના ચુકાદા વિશે કહ્યું હતું કે ‘અમારા માટે આ ઉત્તમ તક છે. બે-ત્રણ મહિનામાં લોકસભાની અને છ-સાત મહિનામાં રાજ્યની વિધાનસભાની ચૂંટણી છે. આથી સ્પીકરનો આ ચુકાદો હવે જનતાની કોર્ટમાં લઈ જવામાં આવશે. મહાવિકાસ આઘાડી તરીકે અમે આ મુદ્દો જનતામાં લઈ જઈશું, કારણ કે સ્પીકરનો ચુકાદો કાયદાકીય નહીં પણ રાજકીય છે.’