08 February, 2024 11:40 AM IST | Mumbai | Chirantana Bhatt
પરવેઝ કૂપરે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમ સાથે નો હૉકર્સ ઝોનના પાટિયાની તસવીર શૅર કરી હતી
આમ તો મુંબઈના (Mumbai) મોટાભાગનાં સબર્બન સ્ટેશનની બહાર જાતભાતની દુકાનો હોય છે, રસ્તે પાટિયા નાખીને કપડાં, ચપ્પલ વેચનારા ફેરિયાઓ હોય છે. પણ શહેરના મોટાભાગના ફેરિયાઓ (હૉકર્સ) બૃહ્ન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ‘A’ વોર્ડમાં જ જોવા મળે છે. આ ‘A’ વોર્ડ એટલે કે દક્ષિણ મુંબઈનો કૉલાબા કૉઝવે (South Mumbai Colaba Causeway)અને ફેશન સ્ટ્રીટ વાળો વિસ્તાર. શહેરના સૌથી વ્યસ્ત બે સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મિનસ અને ચર્ચગેટની આસપાસના આ વિસ્તારની ગલીઓમાં ફેરિયાઓ હારબંધ બેઠેલા હોય છે. આ વિસ્તાર મુંબઈની ઓળખ સુધ્ધાં બની ગયા છે વિદેશીઓ પણ સાંકડી ગલીઓમાં પથરાયેલા આ ‘માર્કેટ’ની મુલાકાત લેવા પહોંચી જાય છે. જો કે વાત મુલાકાતીઓ કે ફેરિયાઓની નથી કારણકે એ લોકો એ જ કરે છે જે તેમને કરવું છે પણ એ વિસ્તારમાં રહેનારાઓ માટે આ એક પરેશાની છે તેમ રહેવાસીઓનો દાવો છે. વળી આ રહેવાસીઓએ પોતાની હેરાનગતી વિશે BMCને એકથી વધુ વખત રજૂઆત કરી છે પણ તેમને કોઇ જવાબ મળ્યા નથી. કોલાબના રહેવાસીઓનું પ્રતિનિધિત્વ કરનારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાંથી નો હોકર્સ ઝોનના પાટિયાં પરથી પ્રતિબંધ દર્શાવતા નો અને નાને ઉડાડી દેવાયો છે જે જાહેર મિલકતને નુકસાન કર્યું હોવાનો ગુનો પણ બને છે જો કે આ અંગે હજી કોઇ પગલાં લેવાયા નથી.. આ અંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે BMCના અધિકારી અને ક્લિન હેરિટેજ કોલાબા રેસિડન્સ્ટ એસોસિએશનના સભ્ય બંન્ને સાથે વાત કરી.
પરવેઝ કૂપર, ક્લિન હેરિટેજ કોલાબા રેસિડન્સ્ટ એસોસિએશન (Clean heritage Coalab Residents Association) નાવાઇસ પ્રેસિડન્ટ છે. તેમણે જણાવ્યું કે, “સવારે અગિયાર વાગ્યા પછી અહીં તો જાણે ચાલવાની જગ્યા જ નથી હોતી. કોલાબા કોઝવેમાં ફેલાયેલા ફેરિયાઓ વિશે અનેકવાર અમે ફરિયાદ કરી છે, ટ્વિટ પણ કર્યા છે પણ અમને જોઇતો ઉકેલ હજી સુધી નથી મળ્યો.” તેમણે એમ પણ જણાવ્યું કે મહારાષ્ટ્ર લેજિસ્લેટિવ એસેમ્બલીના સ્પીકર રાહુલ નાર્વેકર પણ આ મુદ્દાથી સારી પેઠે વાકેફ છે અને આગલી સભામાં તેઓ આ મુદ્દો ઉપાડે તેવી પુરી શક્યતા છે. પરવેઝ કૂપરે માથાભારે ફેરિયાઓની હેરાનગતી વિશે વાત કરતાં એમ પણ દાવો કર્યો કે, “નો હૉકિર્સ ઝોનના બોર્ડ પરથી આ ફેરિયાઓએ નો લખેલું કાઢી નાખ્યું છે અને આવું એક નહીં પણ બબ્બે પાટિયા પર કરીને મનાઈ ફરમાવતા નો તથા ના- ને કશાકથી ઢાંકી દઇ છેકી નાખવાનો પ્રયાસ કર્યો છે જેનો તસવીરી પુરાવો પણ છે.”
તેઓ કહે છે, “એક સમયે 78-80 ફેરિયાઓ હતા અને આજે આ આંકડો 184 પર પહોંચી ગયો છે. કાફે મોન્ડેગારથી લઇને છેક આગળ આવેલી થિઓબ્રમા બેકરી શોપ સુધી ફેરિયાઓ પ્રસરેલા છે. એકને જગ્યા મળે એટલે એ આજુ બાજુ પોતાની દુકાન ફેલાવીને ચાર પાટિયા જેટલી જગ્યા પચાવી પાડે. ખાસ કરીને હેન્રી રોડ જ્યાં આ નો હૉકિંગ ઝોન વાળા પાટિયાન ડિ-ફેસ કરાયું છે ત્યાં પણ ગલીકૂંચીમાં – બાયલેન્સમાં ફેરિયાઓ બેસે છે. ફેશન સ્ટ્રીટમાં થોડા વખત પહેલાં આગ લાગવાનો બનાવ થયો હતો જો એવું કંઇ અહીં થશે તો આ હેરિટજ સ્ટ્રક્ચરને તો નુકસાન થશે જ પણ કેટલી જાનહાનિ થઇ શકે છે તેનો તો અંદાજો જ માત્ર લગાડવાનો રહ્યો. બાળકોથી માંડીને વૃદ્ધોને માટે ફૂટપાથ પર ચાલવાની જગ્યા નથી હોતી.”
તેમણે એમ પણ કહ્યું કે આ અંગે BMCને અનેક વખત રજૂઆત કરાઇ છે. વળી તાજેતરમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈની મુલાકાત લીધી હતી ત્યારે ત્રણ દિવસ સુધી આ ફેરિયાઓને ત્યાંથી ખસેડી લેવાયા હતા અને ત્યારે જે રીતની મોકળાશ કોલાબાના રહેવાસીઓને અનુભવવા મળી તે જો કાયમ માટે થઇ જાય તો બહુ જ સારું થશે. ત્રણ દિવસ માટે ધંધો બંધ કરવો પડ્યો હોવાથી ફેરિયાઓ રોષે ભરાયા હતા પણ સરકારી કાર્યક્રમો પતવાની સાથે જ તેઓ ફરી આખા વિસ્તારને રોકીને પોતાના ધંધે પાછા લાગી ગયા તેમ પરવેઝ કૂપરે જણાવ્યું.
આ અંગે જ્યારે BMCના A વોર્ડના આસિસ્ટન્ટ કમિશ્નર જયદીપ મોરેનો (Assistant Commissioner Jaideep More)સંપર્ક કર્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે, “આ તમામ ફેરિયાઓને 2014ની સાલમાં કોર્ટના સ્ટેને પગલે પ્રોટેક્શન મળેલું છે. અમુક ફેરિયાઓ પાસે લાયસન્સ છે તો અમુક સરવેમાં ગણતરીમાં લેવાયા છે. જો તેમને બાય લેન્સમાંથી રોડ પર શિફ્ટ કરવામાં આવશે તો રોડ પર ફેરિયાઓની સંખ્યા વધતા ગીચતા વધી જશે અને તે પણ નહીં ચાલે. જે ગેરકાયદે ત્યાં બેસનારા ફેરિયાઓ છે તેમની પર રોજની કાર્યવાહી થાય જ છે.” જ્યારે તેમને નો હૉકિંગ ઝોન ના બોર્ડ પરથી નો કાઢી દેવાયું હોવાની તસવીર મોકલી ત્યારે તેમણે ‘નોટેડ’ એવો જવાબ વાળ્યો હતો.
પરવેઝ કૂપરે જણાવ્યા અનુસાર તેમણે તો આ આખા કૉઝ વેના ફેરિયાઓને છત્રપતિ શિવાજી વાસ્તુસંગ્રહાલય તરફના ફૂટપાથ પર શિફ્ટ કરવા જેવા વિકલ્પો પણ આપ્યા છે. ત્રણ દિવસ સુધી ફેરિયાઓ વગરના કૉઝવેના અનુભવ પછી કોલાબાના રહીશો ચાહે છે કે તેમને કાયમી મોકળાશ મળે અને માથાભારે ફેરિયાઓ સાથે તેમને ઝીંક ઝીલવાનો વારો ન આવે.
આ મુદ્દે તંત્ર રહેવાસીઓ અને ફેરિયાઓની વચ્ચે કઇ રીતે સંતુલન કરશે તે જોવું રહ્યું.