02 December, 2022 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ : સાઉથ કોરિયાની યુવાન યુટ્યુબર મુંબઈ આવી હતી. ખારમાં તેનું લાઇવ સ્ટ્રીમિંગ ચાલી રહ્યું હતું ત્યારે બે યુવાનોએ તેની છેડતી કરી હતી, તેનો હાથ પકડીને તેને ખેંચી હતી અને તેને કિસ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ બંને છેલબટાઉ યુવાનોની ધરપકડ કરવાની માગ ઊઠી હતી. પોલીસના નિર્ભયા પથકે આ સંદર્ભે સુઓ મોટો દખલ લઈને જાતે જ ફરિયાદી બનીને તપાસ કરી હતી અને આખરે બંને આરોપીઓ ૧૯ વર્ષના મોબિન શેખ અને ૨૧ વર્ષના નકિબ અન્સારીને ઝડપી લીધા હતા.
આ ઘટના મંગળવારે બની હતી. એક ટ્વિટર યુઝરે એનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો અને એ મુંબઈ પોલીસને પણ ટૅગ કર્યો હતો. એ ઘટના ખારમાં બની હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. જોકે યુવતીનો સંપર્ક કરવામાં આવતાં તેણે પોલીસને કહ્યું હતું કે તે એ યુવાનોની હરકતોથી ચોંકી ઊઠી હતી, પણ કેટલાંક કારણોસર પોલીસ ફરિયાદ નહીં કરી શકે. એમ છતાં મુંબઈ પોલીસના નિર્ભયા પથકે આ સંદર્ભે સુઓ મોટો વાપરીને ફરિયાદ દાખલ કરી હતી અને બંને આરોપીઓની શોધ ચલાવીને તેમને ઝડપી લીધા હતા.
બંને યુવાનોને ત્રણ દિવસ પોલીસ-કસ્ટડી
ખાર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મોહન માનેએ આ સંદર્ભે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બંને આરોપીઓ બાંદરા-વેસ્ટના પટેલનગરમાં રહે છે અને કપડાંની એક જ દુકાનમાં નોકરી કરે છે. ઘટનાના દિવસે તેમણે યુવતી સાથે હાય-હલો કર્યું હતું અને તેના ખભા પર હાથ મૂકી દીધો હતો. એક યુવાને તેને કિસ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પછી તેમણે તે યુવતીને પોતાની બાઇક પર ઘરે મૂકી જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ તે યુવતીએ એ માટે ના પાડી દીધી હતી અને આગળ વધી ગઈ હતી. અમે બંને યુવાનોને ઝડપી તેમની સામે વિનયભંગનો ગુનો દાખલ કરીને તેમને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને ત્રણ દિવસની પોલીસ-કસ્ટડી આપી છે.’