તમારાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ પબ્લિક હોય તો પ્રાઇવેટ કરી નાખજો...એઆઇનો અશ્લીલ દુરુપયોગ

23 August, 2023 10:50 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ટીનેજ છોકરીઓની અશ્લીલ તસવીરો બનાવતા હતા પોલીસના જ દીકરાઓ : આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને આ કામ કરનારા ટીનેજર અને તેના ભાઈની ધરપકડ : મહારાષ્ટ્રમાં આવો પહેલો ગુનો નોંધાયો

પીડિતા

એક ટીનેજરે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ કરીને ટીનેજ યુવતીની અશ્લીલ તસવીરો બનાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ વિશે વિરારની અર્નાળા સાગરી પોલીસે કેસ નોંધીને આરોપી ટીનેજર અને તેના ભાઈની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે એઆઇનો ઉપયોગ કરીને મહારાષ્ટ્રમાં આ પહેલો ગુનો બન્યો છે. બીજી રસપ્રદ વાત એ છે કે આ બન્ને આરોપીઓ મુંબઈ પોલીસમાં કાર્યરત પોલીસ કર્મચારીના દીકરા છે. આરોપીઓએ એઆઇનો ઉપયોગ કરીને એવા ફોટો બનાવ્યા હતા કે એક નજરે કોઈ કહી જ શકે નહીં કે એ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને બનાવ્યા છે. આરોપીએ અનેક પૉર્નોગ્રાફી સાઇટ પર ખરા નામે ફેક આઇડી બનાવીને આ અશ્લીલ ફોટો અપલોડ પણ કર્યા હતા.  

નાલાસોપારા-વેસ્ટના કળંબ ગામમાં રહેતા ૧૯ વર્ષના જીત નિજાઈએ એઆઇનો ઉપયોગ કરીને ઘણી યુવતીઓના અશ્લીલ ફોટોગ્રાફ્સ બનાવ્યા હતા. તેના પિતા પોલીસ કૉન્સ્ટેબલ છે. આ ટીનેજરે ગામની અનેક યુવતીઓના અશ્લીલ ફોટો બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેણે તેમની તસવીરો વિવિધ સોશ્યલ મીડિયા પરથી ડાઉનલોડ કરી, એઆઇનો ઉપયોગ કરીને એને અશ્લીલ બનાવી હતી. એટલું જ નહીં, તેણે છોકરીઓના નકલી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવીને આ તસવીરો એમાં અપલોડ પણ કરી હતી અને અન્ય છોકરાઓને પણ મોકલી હતી. આ બાબત બહાર આવતાં ગામની બે યુવતીઓ સોમવારે રાતે તેના ઘરે જવાબ માગવા ગઈ હતી, પરંતુ જીત અને તેના ૨૨ વર્ષના ભાઈ યશ નિજાઈએ બન્નેની મારપીટ કરી હતી. એના કારણે ગામમાં રાતના સમયે તનાવપૂર્ણ માહોલ થયો હતો. રાતે મામલો એટલો વધી ગયો કે અર્નાલા સાગરી પોલીસે નાલાસોપારા પોલીસ સ્ટેશનમાંથી વધુ પોલીસ બોલાવવી પડી હતી અને ત્યાર બાદ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ત્યાર બાદ મોડી રાતે પોલીસે બન્ને ભાઈઓ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ બન્ને સામે ‌વિનયભંગ, મારપીટ, બાળકોના જાતીય શોષણવિરોધી અધિનિયમ (પોક્સો) અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (આઇટી)ની કલમો હેઠળ તેમની ધરપકડ પણ કરી હતી. અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કલ્યાણરાવ કર્પેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આરોપીઓ પોલીસ કર્મચારીનાં બાળકો છે અને તેમની ધરપકડ કરીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ રાતના સમયે પહોંચતાં મોટો બનાવ થતાં ટળ્યો છે. આરોપીઓ છ દિવસ પોલીસ-કસ્ટડીમાં છે.’

એક યુવતીએ જણાવ્યું હતું કે ‘આરોપી જીતે આ રીતે અનેક છોકરીઓની અશ્લીલ તસવીરો બનાવી હતી. એથી પોલીસે તેનો મોબાઇલ કબજે કરી લીધો છે અને એની તપાસ કરતાં એમાંથી યુવતીઓની ઘણી અશ્લીલ તસવીરો મળી આવી છે. પોલીસ આ યુવતીઓનાં નિવેદન પણ નોંધી રહી છે. આરોપીએ બે વર્ષ પહેલાં પણ આવો ગુનો કર્યો હતો જ્યારે તે સગીર હતો.

એઆઇનો પહેલો ગુનો

એઆઇ ટેક્નૉલૉજીનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થઈ રહ્યો છે અને એનાથી લોકોનું કામ પણ જલદી થઈ રહ્યું હોવાથી લોકોએ એનો ઉપયોગ પણ વધાર્યો છે. જોકે ગુનેગારોએ આ ટેક્નૉલૉજીનો ઉપયોગ અન્ય ટેક્નૉલૉજીની જેમ શરૂ કરી દીધો હોય એવું લાગે છે. અર્નાળા પોલીસ સ્ટેશનના ‌સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કલ્યાણરાવ કાર્પેએ જણાવ્યું હતું કે ‘આરોપીઓએ આ નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ યુવતીઓના અશ્લીલ ફોટોગ્રાફ્સ બનાવવા માટે કર્યો છે. આરોપીએ ટેલિગ્રામ પરથી યુવતીઓની સિમ્પલ તસવીરો ડાઉનલોડ કરી હતી અને એઆઇનો ઉપયોગ કરીને તે ફોટોને અશ્લીલ બનાવ્યા હતા.’

મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના સાઇબર ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુજિત ગુંજકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ ટેક્નૉલૉજીનો ઉપયોગ બહુ વધી ગયો છે, પરંતુ એનો ઉપયોગ કરીને ગુનો કરવાનો રાજ્યમાં આ પહેલો ગુનો છે. આ કેસની મા‌હિતી અમને મળી હોવાથી પોલીસ પાસેથી માહિતી લઈને સમાંતર તપાસ કરીશું.’

કોઈ સ્વતંત્ર કલમ નથી

એઆઇનો ઉપયોગ કરીને થતા ગુના હાલમાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અમેન્ડમેન્ટ ઍક્ટ ૨૦૦૮ની કલમ ૬૭, ૬૭-અ, ૬૭-બ હેઠળ નોંધાવામાં આવે છે.  જાણીતા સાઇબર નિષ્ણાત પ્રશાંત માળીએ જણાવ્યું હતું કે ‘એના માટે કોઈ અલગથી જોગવાઈ નથી. ભવિષ્યમાં આવા ગુનાઓ વધે એવી ‌શક્યતા પણ છે. ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટમાં વિવિધ સાઇબર ગુનાઓ આવરી લેવાયા છે. એઆઇ પણ એ જ કલમમાં આવશે. છોકરીઓએ સોશ્યલ મીડિયા પર તેમની તસવીરો પોસ્ટ કરતાં પહેલાં સાવચેતી રાખવી જોઈએ. જો તેમનું અકાઉન્ટ પબ્લિક હોય તો પ્રાઇવેટ કરવું જોઈએ અને સમયાંતરે તપાસ પણ કરવી જોઈએ.’

social media social networking site virar Crime News mumbai crime news mumbai police mumbai mumbai news preeti khuman-thakur