10 November, 2024 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપરમાં રહેતાં નયના શાહ તેમનાં બે બાળકો સાથે હૉસ્પિટલમાં.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ગઈ કાલે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ખોપોલી નજીક સોલાપુરથી મુંબઈ પાછી આવી રહેલી વિદ્યાવિહારની સોમૈયા સ્કૂલની બસનો અકસ્માત થયો હતો જેમાં બારથી વધુ બાળકો જખમી થયાં હોવાની માહિતી ખોપોલી પોલીસે આપી હતી. ૧૫થી ૧૮ વર્ષ વચ્ચેનાં બાળકો સોલાપુરમાં આયોજિત ફુટબૉલ મૅચ રમી કોચ અને અન્ય શિક્ષકો સાથે ત્યાંથી પાછાં ફરી રહ્યાં હતાં એ દરમ્યાન હાઇવે પર પાર્ક કરેલી ટ્રકને સ્કૂલની બસે પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ખોપોલી પોલીસે ટ્રક પાર્ક કરનાર ડ્રાઇવર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાઇવે પર ગેરકાયદે રીતે પાર્ક કરી રાખેલી ટ્રકને કારણે અકસ્માત થયો હતો એમ જણાવતાં ખોપોલી પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર શીતલ રાઉતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બાદ તાત્કાલિક અમે ઘટનાસ્થળ પર જઈ બસની અંદર ફસાયેલા તમામને બહાર કાઢી એમજીએમ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં હાલમાં બે બાળકો પર ઇલાજ ચાલી રહ્યો છે. ટ્રક-ડ્રાઇવર સામે અમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.’
અકસ્માત બાદ બસમાંથી બહાર કાઢવામાં આવેલાં બાળકો રોડ પર બેઠાં હતાં.
સ્ટેટ લેવલની ફુટબૉલ મૅચ રમવા અમે બધાં સોલાપુર ગયાં હતાં એમ જણાવતાં સોમૈયા સ્કૂલનાં ટીચર સોનિયા ફારુકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બધાં સવારના સમયે સૂતાં હતાં ત્યારે આ અકસ્માત થયો હતો એટલે શું અને કેવી રીતે થયો એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. અકસ્માત બાદ અમે બધાં બાળકોને હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડ્યાં હતાં. હાલમાં બે બાળકનો ICUમાં ઇલાજ ચાલુ છે, બાકીનાં બાળકોની હાલત હવે સ્થિર છે.’